2026 Virat Kohli can create these great records: વિરાટ કોહલી માટે 2025 નું વર્ષ યાદગાર રહ્યું. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે પહેલીવાર IPL ટાઇટલ જીત્યું અને ભારતીય ટીમ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. વર્ષના અંતે, તેને સાઉથ આફ્રિકા સામે ભારતની છેલ્લી ODI સિરીઝમાં બે શાનદાર સેન્ચુરી ફટકારીને "man in form" માં હોવાનો સંકેત આપ્યો. આ વર્ષ વિરાટ કોહલીના કારકિર્દીમાં બીજું એક ઐતિહાસિક વર્ષ બની શકે છે. જો તેનું ફોર્મ ચાલુ રહે તો ક્રિકેટ ફેન્સ ઘણા નવા રેકોર્ડ જોઈ શકે છે. 2026 વિરાટ કોહલી માટે વધુ ખાસ સાબિત થઈ શકે છે, કારણ કે આ વર્ષે તે ક્રિકેટમાં ત્રણ મોટા રેકોર્ડ બનાવી શકે છે.
વિરાટ કોહલીની નજર સચિન તેંડુલકરના ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ પર
ટીમ ઈન્ડિયાના રન-મશીન વિરાટ કોહલી વર્ષની શરૂઆત સાથે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ પર નજર રાખશે. 11 ડિસેમ્બરથી શરૂ થતી ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં, વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની સિરીઝનું પર્ફોમન્સ પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે. ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર વિરાટ કોહલી ODI ફોર્મેટમાં ધૂમ મચાવી રહ્યો છે. સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વધુ એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની નજીક છે. વિરાટ કોહલી હવે 28,000 ઇન્ટરનેશનલ રન પૂરા કરવાથી માત્ર 25 રન દૂર છે. એકવાર તે આ સિદ્ધિ હાંસલ કરશે, તો તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બનશે અને ઇનિંગ્સની દ્રષ્ટિએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સૌથી ઝડપી 28,000 ઇન્ટરનેશનલ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડશે.
28,000 ઇન્ટરનેશનલ રન બનાવતા તૂટશે સચિન તેંડુલકરનો રેકોર્ડ
અત્યાર સુધી, ફક્ત 2 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 થી વધુ રન બનાવ્યા છે: મહાન સચિન તેંડુલકર, જેમણે 644 ઇનિંગ્સમાં 28,000 રન પૂરા કર્યા હતા, અને શ્રીલંકાના મહાન કુમાર સંગાકારા, જેમણે 666 ઇનિંગ્સમાં 28,016 રન બનાવ્યા હતા અને 2015 માં ભારત સામે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
IPL માં 9,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી
વિરાટ કોહલી પાસે IPL 2026 માં ઇતિહાસ રચવાની તક હશે. ટુર્નામેન્ટમાં 9,000 રન બનાવવા માટે તેને ફક્ત 339 રનની જરૂર છે. અત્યાર સુધીમાં, કોહલીએ 259 ઇનિંગ્સમાં 8,661 રન બનાવ્યા છે અને IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રોહિત શર્મા 7,046 રન સાથે બીજા ક્રમે છે. નોંધનીય છે કે, વિરાટ કોહલી તેના સમગ્ર IPL કારકિર્દી દરમિયાન RCB માટે રમ્યો છે. તેને છેલ્લી 3 IPL સિઝનમાં દરેકવખતે 600 થી વધુ રન બનાવ્યા છે.
વિરાટ કોહલી 15,000 ODI રન
વિરાટ કોહલી ODI ક્રિકેટમાં 15,000 રન બનાવનાર બીજો બેટ્સમેન બની શકે છે. હાલમાં, આ રેકોર્ડ સચિન તેંડુલકર (18,426 રન) ના નામે છે. વિરાટ કોહલીએ 296 ઇનિંગ્સમાં 14,557 રન બનાવ્યા છે અને 15,000 ODI રનના સીમાચિહ્ન સુધી પહોંચવા માટે તેને વધુ 443 રનની જરૂર છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની નજીક પણ છે. તેને ટેસ્ટ, વનડે અને T20 મેચોમાં 623 ઇનિંગ્સમાં 27,975 રન બનાવ્યા છે. જો તે વધુ 42 રન બનાવે છે, તો તે કુમાર સંગાકારાને પાછળ છોડીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. તે 2026 માં તેની પહેલી મેચમાં જ આ રેકોર્ડ હાંસલ કરે તેવી શક્યતા છે.





















