Home Sports Virat Kohli Guides Shubman Gill India Vs England Odi 2026

શું વિરાટ કોહલીએ અચાનક સંભાળી 'કોચ'ની જવાબદારી? : શુભમન ગિલને 30 મિનિટ સુધી આપ્યો 'માસ્ટરક્લાસ'

Shubman Gill and Virat Kohli
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jul 12, 2026, 10:04 AM IST

Shubman Gill and Virat Kohli : ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં 0-4ની કારમી હાર બાદ હવે ભારતીય ટીમનું સંપૂર્ણ ધ્યાન ODI ક્રિકેટ પર કેન્દ્રિત થયું છે. 14 જુલાઈથી શરૂ થનારી ત્રણ મેચોની ODI સિરીઝ માત્ર જીત માટે જ નહીં પરંતુ આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ વખતે ટીમની કમાન યુવા કેપ્ટન શુભમન ગિલના હાથમાં છે, જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓના કમબેકથી ભારતીય ટીમ વધુ સંતુલિત અને મજબૂત દેખાઈ રહી છે. શનિવારે બર્મિંગહામ ખાતે યોજાયેલા ટીમ ઈન્ડિયાના પ્રથમ પ્રેક્ટિસ સેશન દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલું દૃશ્ય વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચેની લગભગ 30 મિનિટની લાંબી ચર્ચા રહી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર સલાહ આપી નહોતી, પરંતુ નેટ્સમાં વિવિધ પ્રકારના શોટ રમીને પણ શુભમન ગિલને સમજાવ્યું કે ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં કેવી રીતે સફળ બેટિંગ કરી શકાય. ટીમ મેનેજમેન્ટ માટે પણ આ દૃશ્ય ઉત્સાહજનક માનવામાં આવી રહ્યું છે, કારણ કે યુવા કેપ્ટનને વિશ્વના સૌથી અનુભવી બેટ્સમેનોમાંથી એકનું માર્ગદર્શન મળી રહ્યું છે.

શુભમન ગિલને શોટ સિલેક્શનથી લઈને મેચ પ્લાન સુધીનું માર્ગદર્શન

પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલીએ શુભમન ગિલ સાથે શોટ સિલેક્શન, ઇનિંગ્સ બિલ્ડ કરવાની રીત, નવી બોલ સામે ધીરજ રાખવાની જરૂરિયાત અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરો સામે કેવી રીતે રમી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન વિરાટ કોહલીએ માત્ર સિદ્ધાંત પૂરતું માર્ગદર્શન આપ્યું નહીં પરંતુ પોતે નેટ્સમાં બેટિંગ કરીને અનેક ટેક્નિકલ પાસાં પણ સમજાવ્યા. શુભમન ગિલ આ પ્રવાસમાં પહેલીવાર ઈંગ્લેન્ડમાં ભારતની ODI ટીમની કેપ્ટનશિપ કરશે. આવી પરિસ્થિતિમાં ઈંગ્લેન્ડમાં લાંબો એક્સપિરિયન્સ ધરાવતા વિરાટ કોહલીનું માર્ગદર્શન ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શુભમન ગિલે પણ સિનિયર ખેલાડીની દરેક સલાહ ધ્યાનપૂર્વક સાંભળી અને બેટિંગની બારીકીઓ સમજવાનો પ્રયાસ કર્યો.

આ પણ ખાસ વાંચો : 1,00,00,000ના બ્રાન્ડેડ આઉટફિટમાં ચમક્યો ઈન્ડિયન ક્રિકેટર : વિમ્બલ્ડનમાં કોણ કરી ગયું ખેલાડીના શુઝ પર 'Kiss'?

દિગ્ગજોના કમબેકથી ટીમ ઈન્ડિયાને મોટો આત્મવિશ્વાસ

આ ODI સિરીઝ ભારતીય ટીમ માટે અનેક કારણોસર ખાસ છે. વિરાટ કોહલી લાંબા વિરામ બાદ ફરી ODI ટીમ સાથે જોડાયા છે. ઈજાના કારણે તેઓ અગાઉની સિરીઝમાંથી બહાર રહ્યા હતા, પરંતુ હવે સંપૂર્ણ ફિટ દેખાઈ રહ્યા છે. પ્રથમ જ પ્રેક્ટિસ સેશનમાં તેમણે લાંબો સમય બેટિંગ કરીને પોતાની તૈયારીઓ સ્પષ્ટ કરી હતી. રોહિત શર્માએ પણ નેટ્સમાં લાંબો સમય બેટિંગ કરી પોતાની લય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ જસપ્રીત બુમરાહે 2023 બાદ ODI ક્રિકેટમાં કમબેક કરતાં ફાસ્ટ બોલિંગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમની સાથે ગુરનૂર બ્રારે પણ બેટ્સમેનોને કઠિન પડકાર આપ્યો હતો. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવે પણ લાંબો અભ્યાસ કર્યો હતો, જ્યારે ભારતીય બેટર્સને ઈંગ્લિશ પરિસ્થિતિઓ માટે તૈયાર કરવા સ્થાનિક સ્પિનરોની મદદ લેવામાં આવી હતી. પ્રેક્ટિસ સેશન દરમિયાન ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ, સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલે અને થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ દયાસાગર પણ ખેલાડીઓ સાથે સક્રિય રહ્યા હતા.

વિરાટ કોહલી સામે ઐતિહાસિક સિદ્ધિનો અવસર

ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં વિરાટ કોહલીનો રેકોર્ડ ખૂબ જ મજબૂત રહ્યો છે. તેમણે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી 33 ODI મેચોમાં 51.88ની એવરેજથી 1,349 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 12 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિરીઝ દરમિયાન વિરાટ કોહલી પાસે ODI ક્રિકેટમાં વધુ એક મહત્વપૂર્ણ વ્યક્તિગત સિદ્ધિ નોંધાવવાની તક રહેશે. તેમની કારકિર્દીનો વધુ એક મોટો માઇલસ્ટોન હવે નજીક છે અને આ સિરીઝમાં તેમની બેટિંગ પર સૌની નજર રહેશે. બીજી તરફ શુભમન ગિલનો ઈંગ્લેન્ડ સામેનો રેકોર્ડ પણ નોંધપાત્ર રહ્યો છે. તેણે અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે રમાયેલી ચાર ODI મેચોમાં 67ની એવરેજથી 268 રન બનાવ્યા છે. ત્રણ વખત તેણે 50થી વધુનો સ્કોર નોંધાવ્યો છે અને છેલ્લી ODIમાં 102 બોલમાં 112 રનની શાનદાર સદી ફટકારી હતી. તેથી કેપ્ટન તરીકે પણ શુભમન ગિલ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે.

આ પણ ખાસ વાંચો : લોર્ડ્સમાં ભારતીય દીકરીનો ઐતિહાસિક કમાલ : 22 વર્ષની ક્રાંતિ ગૌડ બની વિશ્વ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી પ્રથમ મહિલા બોલર

ત્રણ પ્રતિષ્ઠિત મેદાનો પર રમાશે સિરીઝ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચોની ODI સિરીઝ વિશ્વના ત્રણ ઐતિહાસિક ક્રિકેટ મેદાનો પર રમાશે. પ્રથમ ODI 14 જુલાઈએ બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે રમાશે. બીજી મેચ 16 જુલાઈએ કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. સિરીઝની અંતિમ અને નિર્ણાયક ત્રીજી ODI 19 જુલાઈએ લંડનના લોર્ડ્સ મેદાનમાં બપોરે 3:30 વાગ્યે રમાશે.

  • ભારતીય ટીમ : શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), કે. એલ. રાહુલ, ઇશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર અને શિવમ દુબે.

  • ઈંગ્લેન્ડની ટીમ : હેરી બ્રુક (કેપ્ટન), બેન ડકેટ, જો રૂટ, જેકબ બેથેલ, જેમ્સ કોલ્સ, વિલ જેક્સ, રેહાન અહેમદ, ગુસ એટકિન્સન, સેમ કરન, લિયામ ડોસન, ટોમ બેન્ટન, જોસ બટલર, જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ, આદિલ રશીદ અને જોશ ટંગ.

ભારતીય ટીમ માટે આ સિરીઝ માત્ર જીત મેળવવાની તક નથી, પરંતુ T20 સિરીઝની નિરાશા પાછળ મૂકીને નવી શરૂઆત કરવાનો પણ અવસર છે. વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓનું માર્ગદર્શન અને શુભમન ગિલ જેવા યુવા કેપ્ટનની આગેવાની ટીમને ઈંગ્લેન્ડ સામે મજબૂત પડકાર આપવાની ક્ષમતા આપી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now