Home Sports FIFA 2026 Fifa World Cup 2026 England Argentina France Spain Semifinal Schedule

વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ-આર્જેન્ટિનાની સેમીફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી : હવે ચાર દિગ્ગજ ટીમો વચ્ચે ફાઇનલની ટિકિટ માટે થશે મહાજંગ

FIFA World Cup 2026
Image Credit: Facebook
Published by: Aryan Shah
Last Updated: Jul 12, 2026, 05:49 AM IST

FIFA World Cup 2026 : ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ક્વાર્ટર ફાઇનલની બંને હાઇ-વોલ્ટેજ મેચોમાં ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિનાએ રોમાંચક જીત મેળવી સેમીફાઇનલમાં સ્થાન પાકું કર્યું છે. બંને ટીમોએ પોતાના મુકાબલા એક્સ્ટ્રા ટાઇમમાં જીતીને ટાઇટલ તરફ વધુ એક મજબૂત પગલું ભર્યું છે. હવે વિશ્વભરના ફૂટબોલ ચાહકોની નજર સેમીફાઇનલના બે મહાસંગ્રામ પર ટકેલી છે, જ્યાં ચાર દિગ્ગજ ટીમો ફાઇનલમાં પહોંચવા માટે આમને-સામને ટકરાશે. મિયામીમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડે નોર્વેને 2-1થી હરાવ્યું, જ્યારે કેન્સાસ સિટીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને 3-1થી પરાજય આપ્યો. બંને મુકાબલામાં નિર્ધારિત સમય સુધી સ્કોર બરાબર રહ્યો હતો, પરંતુ એક્સ્ટ્રા ટાઇમમાં જીતનો નિર્ણય આવ્યો.

બેલિંગહામે એકલા હાથે અપાવી જીત

ઈંગ્લેન્ડ માટે રિયલ મેડ્રિડનો સ્ટાર મિડફિલ્ડર જુડ બેલિંગહામ સૌથી મોટો હીરો સાબિત થયો. નોર્વે સામે તેણે બંને ગોલ ફટકારી ટીમને સેમીફાઇનલ સુધી પહોંચાડી. 36મી મિનિટે એન્ડ્રિયાસ શેલ્ડેરુપે નોર્વેને લીડ અપાવી હતી, પરંતુ પ્રથમ હાફના ઇન્જરી ટાઇમમાં બેલિંગહામે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવ્યો. આ ગોલ દરમિયાન બોલ એરિયલ કેમેરા કેબલ સાથે અથડાયો હોવાની ચર્ચા ઉઠી હતી. જોકે, મેચ બાદ ફિફાએ બોલના સેન્સર ડેટાના આધારે સ્પષ્ટતા કરી કે બોલ વાયરને સ્પર્શ્યો જ નહોતો, તેથી ગોલ સંપૂર્ણપણે માન્ય હતો. બીજા હાફમાં નોર્વેનો એક ગોલ VAR દ્વારા ફાઉલના કારણે રદ કરવામાં આવ્યો. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઇમની ત્રીજી મિનિટે બેલિંગહામે ફરી ગોલ કરીને ઈંગ્લેન્ડને નિર્ણાયક લીડ અપાવી અને ટીમે અંત સુધી આ લીડ જાળવી રાખી.

આ પણ ખાસ વાંચો : ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતની કારમી હાર; સિરીઝ 4-0થી જીતી : પાંચમી T20માં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવ્યું, બટલરની તોફાની સદી

ઈંગ્લેન્ડે બનાવ્યા અનેક રેકોર્ડ

આ વર્લ્ડ કપમાં બેલિંગહામના હવે કુલ 6 ગોલ થઈ ગયા છે. ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેનના નામે પણ 6 ગોલ છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ઈંગ્લેન્ડના બે ખેલાડીઓએ એક જ આવૃત્તિમાં પાંચથી વધુ ગોલ નોંધાવ્યા હોય. ગોલકીપર જોર્ડન પિકફોર્ડે પણ ઇતિહાસ રચ્યો. તેણે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે પોતાની 18મી મેચ રમીને પીટર શિલ્ટનનો 17 મેચનો રેકોર્ડ તોડી નાખ્યો અને દેશ માટે સૌથી વધુ વર્લ્ડ કપ મેચ રમનાર ગોલકીપર બન્યો.

આર્જેન્ટિનાએ ચેમ્પિયન જેવી રમત બતાવી

ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ પણ પોતાની ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. મેચની માત્ર 10મી મિનિટે એલેક્સિસ મેક એલિસ્ટરે લિયોનેલ મેસ્સીના સુંદર પાસને ગોલમાં ફેરવી ટીમને શરૂઆતની લીડ અપાવી. જોકે, બીજા હાફમાં ડેન એનડ્યોયે ગોલ કરીને સ્વિટ્ઝર્લેન્ડને 1-1ની બરાબરી અપાવી હતી. ત્યારબાદ નિર્ધારિત 90 મિનિટ અને ઇન્જરી ટાઇમમાં કોઈ ગોલ ન થતાં મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી. એક્સ્ટ્રા ટાઇમમાં જુલિયન અલ્વારેઝે 112મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને આગળ ધપાવી, જ્યારે 121મી મિનિટે એમી માર્ટિનેઝે ગોલ નોંધાવી જીત પર મહોર મારી. આ સાથે આર્જેન્ટિના સતત બીજા વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં પહોંચી છે.

આ પણ ખાસ વાંચો : CSKના એક વીડિયોએ મચાવ્યો ખળભળાટ! : શું ખરેખર હાર્દિક પંડ્યાની ચેન્નાઈમાં થવાની છે રોયલ એન્ટ્રી? ચર્ચાનું બજાર ગરમ

સ્વિટ્ઝર્લેન્ડ માટે રેડ કાર્ડ ટર્નિંગ પોઇન્ટ બન્યો

સ્વિટ્ઝર્લેન્ડે બીજા હાફમાં મજબૂત વાપસી કરી હતી, પરંતુ 72મી મિનિટે બ્રીલ એમ્બોલોને વીડિયો રિવ્યૂ બાદ ડાઇવિંગ માટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યો. ત્યારબાદ 10 ખેલાડીઓ સાથે રમતી સ્વિસ ટીમ પર દબાણ વધતું ગયું અને અંતે એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાએ મેચ પોતાના નામે કરી. મેસ્સીએ આ મેચમાં વધુ એક ગોલ આસિસ્ટ નોંધાવી પોતાની સર્જનાત્મક ભૂમિકા સાબિત કરી, જ્યારે મેક એલિસ્ટરે સતત બીજા વર્લ્ડ કપમાં ગોલ કરવાનો કારનામો કર્યો.

હવે સેમીફાઇનલમાં બે બ્લોકબસ્ટર મુકાબલા

વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં હવે ચાર દિગ્ગજ ટીમો આમને-સામને ટકરાશે. પ્રથમ સેમીફાઇનલ 14 જુલાઈએ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે ((ડલ્લાસ સ્ટેડિયમ) રમાશે. જ્યારે બીજી સેમીફાઇનલ 15 જુલાઈએ ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે (એટલાન્ટા સ્ટેડિયમ) યોજાશે. બંને મેચોના વિજેતા ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્થાન મેળવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now