Home Entertainment Veteran Bollywood Actor Bharat Kapoor Passed Away At 80

બોલિવૂડમાં શોકનું મોજું : વિલન તરીકે ધાક જમાવનાર આ પીઢ અભિનેતાનું 80 વર્ષની વયે નિધન

Actor Bharat Kapoor passed away
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 05:57 AM IST

Actor Bharat Kapoor Passed Away: હિન્દી સિનેમા જગતે એક દિગ્ગજ કલાકાર ગુમાવ્યા છે. 70 અને 80ના દાયકાની અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગ અને ખાસ કરીને ખલનાયકની ભૂમિકાથી પ્રેક્ષકોના દિલ જીતનાર પીઢ અભિનેતા ભરત કપૂરનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. 80 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, તેઓ છેલ્લા ચાર દિવસથી બીમારી સામે લડી રહ્યા હતા અને મુંબઈની સાયન હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચાર શેર કરતા મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. અશોક પંડિતે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, ભરત કપૂર માત્ર એક શ્રેષ્ઠ કલાકાર જ નહીં પરંતુ એક ઉમદા માણસ પણ હતા. તેમની વિદાયથી સિનેમા અને ટેલિવિઝન જગતને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.

મુંબઈમાં કરાયા અંતિમ સંસ્કાર

ભરત કપૂરના અંતિમ સંસ્કાર સોમવારે જ મુંબઈના સાયન સ્મશાનગૃહ ખાતે પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ વિદાય વેળાએ ફિલ્મ અને થિયેટર જગતના જાણીતા ચહેરાઓ જેવા કે રાકેશ બેદી, ડાયરેક્ટર રમેશ કુમાર અને કુલદીપ સિંહ હાજર રહ્યા હતા. આ ઉપરાંત થિયેટર ગ્રુપ IPTA ના સભ્યોએ પણ તેમને ભીની આંખે વિદાય આપી હતી. તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા (બેસણું) 30 એપ્રિલના રોજ સાયન વિસ્તારમાં આવેલી પંજાબ એસોસિએશન ખાતે રાખવામાં આવી છે.

ચાર દાયકાનો યાદગાર ફિલ્મી પ્રવાસ

ભરત કપૂરની કારકિર્દી અંદાજે 40 વર્ષ જેટલી લાંબી રહી હતી. તેમણે બોલિવૂડના ગોલ્ડન એરા ગણાતા 1970 થી 1990ના દાયકા સુધી મોટા પડદા પર રાજ કર્યું હતું. તેમણે અમિતાભ બચ્ચનથી લઈને સંજય દત્ત જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરી હતી.

તેમની યાદગાર ફિલ્મોની યાદી:

  • સુપરહિટ ફિલ્મો: 'નૂરી', 'રામ બલરામ', 'લવ સ્ટોરી', 'બજાર'.

  • એક્શન અને ડ્રામા: 'ગુલામી', 'આખરી રાસ્તા', 'સત્યમેવ જયતે', 'સ્વર્ગ'.

  • અન્ય નોંધપાત્ર ફિલ્મો: 'ખુદા ગવાહ', 'રંગ' અને છેલ્લે 2004માં 'મીનાક્ષી' ફિલ્મમાં જોવા મળ્યા હતા.

ટીવી સિરિયલોમાં પણ જમાવી હતી ધાક

માત્ર ફિલ્મો જ નહીં, પણ ટેલિવિઝન જ્યારે નવું-નવું લોકપ્રિય થઈ રહ્યું હતું ત્યારે ભરત કપૂરે નાના પડદા પર પણ પોતાની અમીટ છાપ છોડી હતી. તેમણે અનેક જાણીતી સિરિયલોમાં મહત્ત્વના પાત્રો ભજવ્યા હતા.

  • લોકપ્રિય શો: 'કેમ્પસ', 'પરંપરા', 'સાંસ', 'અમાનત'.

  • ઐતિહાસિક અને ડ્રામા: 'ભાગ્યવિધાતા', 'તારા', 'ચુનૌતી' અને 'કહાની ચંદ્રકાંતા કી'.

ભરત કપૂરની ખાસિયત એ હતી કે તેઓ જેટલી સહજતાથી વિલનનું પાત્ર ભજવતા, એટલી જ સચોટતાથી પિતા કે સહાયક કલાકારની ભૂમિકામાં પણ ફિટ બેસતા હતા. તેમના નિધનથી સોશિયલ મીડિયા પર ચાહકો અને બોલિવૂડ હસ્તીઓ શ્રદ્ધાંજલિ અર્પી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now