દવાઓ સમયસર લેવી જેટલી જરૂરી છે, એટલું જ મહત્વ તેને યોગ્ય જગ્યાએ રાખવાનું પણ માનવામાં આવે છે. ઘણા લોકો ઘરમાં દવાઓને જ્યાં જગ્યા મળે ત્યાં મૂકી દેતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર દવાઓ રાખવાની દિશા અને સ્થાન પણ મહત્વ ધરાવે છે. વાસ્તુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલીક જગ્યાઓ પર દવાઓ રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને બીમારી લાંબા સમય સુધી રહે તેવી ધાર્મિક માન્યતા છે. જોકે, અહીં ઉલ્લેખિત તમામ માહિતી વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. તેને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત માનવામાં આવતી નથી. આરોગ્ય સંબંધિત કોઈપણ નિર્ણય માટે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
રસોડામાં દવાઓ રાખવાનું કેમ ટાળવું?
વાસ્તુ અનુસાર રસોડું અગ્નિ તત્ત્વ સાથે જોડાયેલું સ્થાન માનવામાં આવે છે. માન્યતા છે કે રસોડામાં દવાઓ રાખવાથી તેની સકારાત્મક અસર ઓછી થઈ શકે છે અને બીમારી લાંબા સમય સુધી ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. તેથી દવાઓને રસોડામાં સ્ટોર કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.
બેડના માથા પાસે દવા રાખવી યોગ્ય છે?
ઘણા લોકો રાત્રે સરળતાથી મળી રહે તે માટે દવાઓ બેડના માથા પાસે રાખે છે. પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું શુભ માનવામાં આવતું નથી. એવી માન્યતા છે કે તેનાથી મનમાં સતત બીમારીનો વિચાર રહે છે અને માનસિક તણાવ વધી શકે છે.
બાથરૂમમાં દવા રાખવાથી શું માન્યતા છે?
વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધુ હોય છે તેવી માન્યતા છે. તેથી બાથરૂમમાં દવાઓ રાખવાથી તેની અસર ઓછી થઈ શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાંબા સમય સુધી રહે તેવી ધાર્મિક માન્યતા છે. સાથે જ બાથરૂમમાં ભેજ વધુ હોવાથી ઘણી દવાઓની ગુણવત્તા પર પણ અસર થઈ શકે છે.
ડાઇનિંગ ટેબલ પર દવાઓ કેમ ન રાખવી?
ઘણા ઘરોમાં દવાઓ સરળતાથી યાદ રહે તે માટે ડાઇનિંગ ટેબલ પર રાખવામાં આવે છે. જોકે વાસ્તુ મુજબ ભોજનની જગ્યાએ દવાઓ રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. એવી માન્યતા છે કે તેનાથી ઘરના સભ્યોમાં સતત બીમારીનો માહોલ બની રહે છે.
ઈશાન ખૂણામાં દવાઓ રાખવાનું કેમ ટાળવું?
ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને એટલે કે ઈશાન ખૂણાને વાસ્તુમાં સૌથી પવિત્ર દિશા માનવામાં આવે છે. આ દિશાને દેવસ્થાન તરીકે જોવામાં આવે છે. વાસ્તુ અનુસાર અહીં દવાઓ અથવા મેડિકલ બોક્સ રાખવાથી સ્વાસ્થ્ય પાછળનો ખર્ચ વધે તેવી માન્યતા છે. તેથી આ દિશામાં દવાઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે.
દવાઓ રાખવાની યોગ્ય દિશા કઈ?
વાસ્તુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ દવાઓને ઉત્તર અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. ઉપરાંત દવાઓને કાચ અથવા લાકડાના બોક્સમાં સ્વચ્છ અને સૂકી જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે દવાઓને બાળકોની પહોંચથી દૂર રાખવી, સીધા સૂર્યપ્રકાશથી બચાવવી અને પેકેટ પર દર્શાવેલા સ્ટોરેજ સૂચનોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.





