Vaibhav Suryavanshi Debut: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે શરૂ થનારી પાંચ મેચની T20 સિરીઝ પહેલાં એક નામ સૌથી વધુ ચર્ચામાં છે અને તે છે 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી. પોતાના આક્રમક અંદાજ અને શાનદાર ફોર્મના કારણે પહેલાથી જ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચી ચૂકેલો વૈભવ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરશે કે નહીં, તેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોર પકડી રહી છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાનારી પ્રથમ T20 મેચ પહેલાં સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલો વૈભવનો નેટ્સ સેશનનો વીડિયો ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં વૈભવ ક્રીઝની બહાર આવીને લાંબા છગ્ગા ફટકારતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને ચાહકોમાં તેની ડેબ્યૂ અંગે ઉત્સુકતા વધી ગઈ છે. આયર્લેન્ડ સામે તક ન મળ્યા બાદ હવે ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તેને પ્લેઇંગ-11માં સ્થાન મળે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે.
નેટ્સમાં વૈભવનો આક્રમક અંદાજ, VIDEO થયો વાયરલ
ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તે આત્મવિશ્વાસ સાથે મોટા શોટ્સ રમતો અને બોલરો પર દબાણ બનાવતો જોવા મળે છે. ચાહકોનું માનવું છે કે, ભારતીય ટીમને ટોપ ઓર્ડરમાં વધુ આક્રમકતા અને સ્થિરતાની જરૂર છે, ત્યારે વૈભવ જેવી પ્રતિભાને તક આપવાનો આ યોગ્ય સમય હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે તેને આજે જ ડેબ્યૂ કરાવવાની માંગ પણ ઉઠાવી છે.
આ પણ વાંચો: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીથી કેમ ડરે છે ઈંગ્લેન્ડ? : મેચ પહેલા કેપ્ટને કર્યો મોટો ખુલાસો
શું આજે મળશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ તક?
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ તેને મેદાનમાં ઉતરવાની તક મળી નહોતી. બીજી તરફ, ભારતીય ઓપનર્સનું પ્રદર્શન ખાસ અસરકારક રહ્યું નહોતું. સંજુ સેમસન બંને મેચોમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે ઈશાન કિશન પણ અપેક્ષિત પ્રદર્શન કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં યુવા ખેલાડી વૈભવને તક આપીને ભારતીય ટીમ નવા પ્રયોગ તરફ આગળ વધી શકે છે. જો વૈભવને આજે પ્લેઇંગ-11માં સ્થાન મળે તો તે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની યાદગાર શરૂઆત કરી શકે છે.
IPL અને અંડર-19 ક્રિકેટમાં કરી ચૂક્યો છે કમાલ
વૈભવ સૂર્યવંશી હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે 16 ઇનિંગ્સમાં 237.30ના શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે 776 રન બનાવ્યા હતા અને ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી હતી. તે સિવાય 2026ના અંડર-19 વર્લ્ડ કપમાં વૈભવ 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' રહ્યો હતો. તાજેતરમાં ભારત-એ માટે રમતી વખતે તેણે માત્ર 29 બોલમાં 94 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેના કારણે તેને ભારતના ભવિષ્યના સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ICC રેન્કિંગમાં ઈશાન કિશનનો કમાલ : અભિષેક શર્માને પછાડી બન્યો વિશ્વના નંબર-1 T20 બેટ્સમેન
સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટશે?
ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું છે કે, વૈભવને રમાડવાનો અંતિમ નિર્ણય મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર લેશે. જો વૈભવ સૂર્યવંશીને આજે ડેબ્યૂ કરવાની તક મળશે તો તે ભારત માટે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારો સૌથી નાની ઉંમરનો પુરુષ ખેલાડી બની જશે. આ સાથે તે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના ત્રણ દાયકા જૂના રેકોર્ડને પણ પાછળ છોડી દેશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે શરૂ થશે અને હવે સૌની નજર ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11 પર ટકેલી છે.





