IND vs ENG 1st T20I : ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી દિવસો અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. આયર્લેન્ડ સામેની T20 સિરીઝમાં મળેલી નિરાશાજનક હાર બાદ હવે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 સિરીઝની શરૂઆત કરવા મેદાનમાં ઉતરી રહી છે. સિરીઝની પ્રથમ મેચ આજે (1 જુલાઈ) ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાશે. ક્રિકેટ ચાહકોમાં આ મુકાબલા અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આયર્લેન્ડ સામેની સિરીઝમાં ભારતને 2-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે આયર્લેન્ડે પ્રથમ વખત કોઈપણ ફોર્મેટમાં ભારત સામે દ્વિપક્ષીય સિરીઝ જીતવાનો ઇતિહાસ રચ્યો હતો. હવે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ ભારતીય ટીમ આ નિષ્ફળતાને ભૂલી નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.
પ્રથમ મેચ ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ આજે (1 જુલાઈ) ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાશે. ઘણા ચાહકો એવું માની રહ્યા હતા કે, આ મુકાબલો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે, પરંતુ વાસ્તવમાં પ્રથમ મેચનો સમય અલગ છે. સિરીઝની પ્રથમ, ત્રીજી અને ચોથી મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી અને પાંચમી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે રમાશે. તેથી ક્રિકેટપ્રેમીઓએ પ્રથમ મુકાબલો જોવા માટે આજે રાત્રે 10 વાગ્યે તૈયાર રહેવું પડશે.
આ પણ ખાસ વાંચો : 11 ઇનિંગ્સમાં 7 સદી... : કોણ છે ઝિમ્બાબ્વે ક્રિકેટના નવા 'રન મશીન'?
ક્યાં જોઈ શકશો લાઇવ પ્રસારણ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ હાઇ-વોલ્ટેજ T20 સિરીઝનું પ્રસારણ Sony Sports Network પર કરવામાં આવશે. ટીવી દર્શકો વિવિધ Sony Sports ચેનલો પર મેચનો સીધો આનંદ માણી શકશે. ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ જોવા ઇચ્છતા દર્શકો માટે Sony Liv એપ અને તેની અધિકૃત વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. મોબાઇલ, લેપટોપ અથવા ટેબલેટ દ્વારા પણ ચાહકો મેચનો રોમાંચ માણી શકશે.
શ્રેયસ ઐયર સામે મોટો પડકાર
આ સિરીઝ ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર માટે પણ ખાસ મહત્વ ધરાવે છે. આયર્લેન્ડ સામે મળેલી હાર બાદ તેમની કેપ્ટનશીપ પર ચર્ચાઓ તેજ બની છે. ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે સારો દેખાવ કરીને તેઓ પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરવા ઇચ્છશે. ભારતીય ટીમ માટે આ સિરીઝ માત્ર જીત માટે નહીં પરંતુ આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની તક પણ છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓ હંમેશા પડકારજનક માનવામાં આવે છે અને આવા માહોલમાં સફળતા ભવિષ્યની સિરીઝો માટે ટીમનું મનોબળ વધારી શકે છે.
આ પણ ખાસ વાંચો : હરફનમૌલા ખેલાડી હાર્દિક પંડ્યાએ છોડ્યું મુંબઈ! : ક્રિકેટ કરિયર માટે લીધો મોટો નિર્ણય, ચાહકોમાં બન્યો ચર્ચાનો મુદ્દો
વૈભવ સૂર્યવંશીના સંભવિત ડેબ્યૂ પર સૌની નજર
આ સિરીઝનું એક સૌથી મોટું આકર્ષણ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી બની શકે છે. આયર્લેન્ડ સામેની સિરીઝમાં તેમને રમવાની તક મળી નહોતી, પરંતુ ઈંગ્લેન્ડ સામે આજે તેમને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તો તેઓ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ખેલાડી બની શકે છે. ક્રિકેટપ્રેમીઓમાં વૈભવને લઈને ભારે ઉત્સાહ છે. જો તેને તક મળે તો તે એક મહત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. બીજી તરફ, સંજુ સેમસન પણ પોતાના પ્રદર્શન દ્વારા ફરી એકવાર ટીમમાં પોતાની ભૂમિકા મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
બંને દેશોની સંપૂર્ણ ટીમ
ભારતીય ટીમ (India Squad) : શ્રેયસ ઐયર (C), તિલક વર્મા (VC), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, સૂર્યાંશ શેડગે, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન (WK), અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન (WK), વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
ઈંગ્લેન્ડની ટીમ (England Squad) : હેરી બ્રુક (C), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, ટોમ બેન્ટન (WK), જેકબ બેથેલ, જોસ બટલર (WK), જેમ્સ કોલ્સ, જોર્ડન કોક્સ (WK), સેમ કરન, લિયામ ડોસન, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ (WK), જોશ ટંગ અને લ્યુક વુડ.





