Vadodara Mayor Race: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ પુનરાવર્તિત કરતા 76માંથી 69 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પોતાનું એકચક્રી શાસન જાળવી રાખ્યું છે. પ્રચંડ બહુમતી બાદ હવે વડોદરાના નવા 'શહેર પ્રથમ નાગરિક' એટલે કે મેયર, ડેપ્યુટી મેયર અને સત્તાનું કેન્દ્ર ગણાતી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ના ચેરમેન પદ માટે દાવેદારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ એસસી (SC) પુરુષ માટે અનામત હોવાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
આગામી દિવસોમાં ગાંધીનગર 'કમલમ' ખાતેથી નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, પરંતુ તે પહેલા વડોદરાના સ્થાનિક રાજકારણમાં વિવિધ લોબીઓ સક્રિય થઈ છે. ખાસ કરીને મેયર પદ માટે સંઘના નજીકના ગણાતા ચહેરાઓ અને સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા નેતાઓ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે. વિજયના ઉત્સાહ વચ્ચે હવે પદાધિકારીઓની પસંદગીમાં સંગઠન અને સંઘ વચ્ચેના સંતુલનને જાળવવું એ પ્રદેશ નેતૃત્વ માટે મોટો પડકાર બની રહેશે.
મેયર પદ: સંઘ અને સંગઠન વચ્ચે પસંદગીનો જંગ
મેયર પદ માટે હાલમાં ત્રણ નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે, જેમાં દરેકની પોતાની રાજકીય તાકાત છે:
સમીર વાઘેલા: વોર્ડ-12 માંથી વિજેતા થયેલા સમીર વાઘેલાનું નામ હાલ રેસમાં સૌથી મોખરે છે. આર.એસ.એસ. (RSS) સાથેના તેમના જૂના અને ગાઢ સંબંધો તેમજ પૂર્વ સંઘચાલકની નિકટતા તેમને મેયર પદના પ્રબળ દાવેદાર બનાવે છે.
અજય ડાભી: વોર્ડ-8 માંથી રેકોર્ડબ્રેક મતોથી જીતનાર અજય ડાભી પ્રદેશ એસસી મોરચામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો પ્રદેશ સંગઠન પોતાની પસંદગી પર ભાર મૂકશે, તો ડાભીનું નસીબ ખુલી શકે છે.
ચેતન પરમાર: વોર્ડ-18 માંથી મોટી લીડ સાથે વિજેતા બનેલા ચેતન પરમાર પૂર્વ મેયર નિલેશ રાઠોડના વિશ્વાસુ માનવામાં આવે છે. તેમની વહીવટી સમજ અને જીતનું માર્જિન તેમને રેસમાં ટકાવી રાખે છે.
ચેરમેન પદ: મલાઈદાર સ્થાન માટે મહારથીઓ મેદાને
વડોદરા મનપામાં આર્થિક સત્તા જેની પાસે રહે છે તેવા સ્થાયી સમિતિના ચેરમેન પદ માટે પણ ભારે 'પડાપડી' જોવા મળી રહી છે:
નીતિન દોંગા: ગત ટર્મના ઇન્ચાર્જ ચેરમેન અને સૌરાષ્ટ્ર લોબીના મજબૂત ચહેરા તરીકે નીતિન દોંગા ફરીથી દાવો કરી રહ્યા છે. તેમની હિન્દુવાદી છબી અને અનુભવ તેમની તરફેણમાં છે.
અજિત દધીચ: મંત્રી મનીષા વકીલના અંગત અને વિશ્વાસુ ગણાતા અજિત દધીચ તેમની ત્રીજી ટર્મ જીતીને આવ્યા છે. સિનિયોરિટીના આધારે તેઓ ચેરમેન પદ માટે પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યા છે.
વિષ્ણુ પ્રજાપતિ અને શ્રીરંગ આયરે: બિનહરીફ ચૂંટાયેલા વિષ્ણુ પ્રજાપતિ અને સૌથી વધુ લીડ મેળવનાર શ્રીરંગ આયરે પણ મહત્વના પદની આશા રાખીને બેઠા છે. જો ચેરમેન પદ ન મળે તો આ પૈકીના કોઈને ડેપ્યુટી મેયર બનાવી સંતોષવામાં આવી શકે છે.





