Home Gujarat Vadodara Vaddala Road Vyajkhori Case Jaimin Patel Complaint

વડોદરા વડદલા રોડ વિસ્તારમાં વ્યાજખોરનો પઠાણી ખેલ : 14 લાખ પરત છતાં 14 લાખની માંગનો આક્ષેપ, ડ્રાઇવર યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ

વડોદરા વડદલા રોડ વિસ્તારમાં વ્યાજખોરનો પઠાણી ખેલ
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 12:12 PM IST

વડોદરા શહેરના વડદલા રોડ વિસ્તારમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. બાલાજી રેસીડેન્સીમાં રહેતા ટ્રાવેલ્સમાં છૂટક ડ્રાઈવર તરીકે કામ કરતા વિનીત દિનેશભાઈ મસ્કેએ એક ઓળખીતાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, વર્ષ 2021 થી ઓળખાણમાં આવેલા જૈમિન પરશોત્તમ પટેલે આર્થિક સંકડામણમાં સહાયરૂપ થવાની વાત કરી હતી. વર્ષ 2023 થી 2024 દરમિયાન વિનીતે તેની પાસેથી કુલ રૂ. 14 લાખ ટુકડે ટુકડે રોકડા અને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા લીધા હતા. તે સમયે વ્યાજ અંગે કોઈ સ્પષ્ટ વાત કરવામાં આવી નહોતી. મોટી રકમ આપવાના બહાને જૈમિને સિક્યુરિટી પેટે ત્રણ કોરા ચેક વિનીત પાસેથી તથા તેના મોટા ભાઈ પીયુષ મસ્કે પાસેથી પણ સહી કરાવી લઈ રાખ્યા હતા.

વિનીતે બાદમાં રૂ. 11,53,690 ગુગલ પે મારફતે ઓનલાઈન તથા રૂ. 2,31,410 રોકડા મળી કુલ રૂ. 14 લાખ પરત ચૂકવી દીધા હોવાનો દાવો કર્યો છે. છતાં જૈમિન પટેલે આ રકમને માત્ર વ્યાજ ગણાવી વધુ રૂ. 14 લાખ બાકી હોવાનો દાવો કરી દૂણી માંગણી શરૂ કરી હતી. વધુ નાણા નહીં આપતા, સિક્યુરિટી તરીકે લીધેલા ચેક બેંકમાં જમા કરી બાઉન્સ કરાવી કાયદેસરની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી.

ફરિયાદમાં ઉલ્લેખ છે કે મોબાઇલ ફોન અને વોટ્સએપ દ્વારા સતત નાણાંની માંગણી, ગાળાગાળી અને “તને જોઈ લઈશ” જેવી ધમકીઓ આપવામાં આવતી હતી. આર્થિક અને માનસિક ત્રાસથી કંટાળી વિનીતે પોલીસનું શરણું લીધું છે.

પોલીસે આરોપી જૈમિન પટેલ (ઉ.વ. 54, નંદ આઇકોન, નારાયણ વાડી પાછળ, અટલાદરા) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. શહેરમાં ફરી એકવાર વ્યાજખોરીના જાળે સામાન્ય નાગરિકોને કેવી રીતે ફસાવવામાં આવે છે તેવો ચિંતાજનક પ્રશ્ન ઉઠ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now