Home Gujarat Vadodara Vadodara Ranoli Police Constable Attack Two Arrested Crime News

રણોલીમાં ખાખી પર હુમલો! : પોલીસ કોન્સ્ટેબલનું માથું ફોડી નાખનાર બે શખ્સો જેલના સળિયા પાછળ, જાણો શું હતો મામલો

Vadodara Police Attack
Published by: Nirali Gohil
Last Updated: Apr 29, 2026, 03:53 AM IST

સંસ્કારી નગરી વડોદરાના રણોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરી રહેલી પોલીસ પર જીવલેણ હુમલો થવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. મધરાતે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર બે શખ્સોએ માત્ર અડચણ જ ઊભી નહોતી કરી, પરંતુ કડા વડે હુમલો કરી કોન્સ્ટેબલને લોહીલુહાણ કરી દીધા હતા. આ ઘટનામાં જવાહરનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને માથાભારે શખ્સોની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની વિગત એવી છે કે, જ્યારે પોલીસ કર્મચારીઓ લગ્ન પ્રસંગમાં એકઠી થયેલી ભીડ વચ્ચે પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ સરકારી કામમાં દખલગીરી કરી પોલીસ ડ્રાઈવરનો મોબાઈલ તોડી નાખ્યો હતો અને કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાખી વર્દી પર હાથ ઉપાડનારા આ તત્વો સામે પોલીસે હવે કાયદાનો સકંજો કસ્યો છે.

લગ્ન પ્રસંગમાં ભીડ જોઈ પોલીસે સમજાવ્યા તો આરોપીઓ લાલચોળ થયા

ગત ૨૭મી એપ્રિલની મોડી રાત્રે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ અને તેમની ટીમ રણોલી ગામના સોલંકી ફળીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ગામમાં એક લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે પોલીસ ત્યાં વ્યવસ્થા જાળવી રહી હતી, તે દરમિયાન રણોલીના જ દેવરાજ મહેશભાઈ બારોટ અને અજય મસ્કે નામના બે શખ્સોએ પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી હતી. તેઓએ કોઈ કારણ વગર પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી વાતાવરણ તંગ બનાવ્યું હતું.

વીડિયો ઉતારતા ડ્રાઈવર પર હુમલો: સરકારી મોબાઈલની તોડફોડ

જ્યારે આરોપીઓ પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હતા, ત્યારે પરિસ્થિતિ વધુ વણસે નહીં અને પુરાવા રહે તે હેતુથી આઉટસોર્સ ડ્રાઈવર રઘુવીરસિંહ રાજેશભાઈએ સરકારી મોબાઈલથી વીડિયો શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતું. પોતાની હરકતો કેમેરામાં કેદ થતી જોઈ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ રઘુવીરસિંહને જોરદાર ધક્કો મારી હાથમાંથી મોબાઈલ નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ રસ્તા પર પડેલા મોબાઈલ પર લાતો મારીને તેનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.

આ પણ વાંચો: વડોદરાના જાંબુઆ પાસે કાળજું કંપાવી દેનારો અકસ્માત : સુરતના ત્રણ યુવાનોના કરુણ મોત, જાણો વિગતો

માથાભારે દેવરાજે કોન્સ્ટેબલના માથામાં કડું ઝીંક્યું, ત્રણ ટાંકા આવ્યા

આરોપી દેવરાજ બારોટે હિંસક બનીને પોતાના હાથમાં પહેરેલા ભારે કડા વડે કોન્સ્ટેબલ મહેન્દ્રકુમારના માથા પર જીવલેણ પ્રહાર કર્યો હતો. હુમલો એટલો જોરદાર હતો કે કોન્સ્ટેબલના માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમના માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. હુમલો કર્યા બાદ પણ આરોપીઓ શાંત થયા નહોતા, તેઓએ પોલીસને ગંદી ગાળો આપી "જો ફરી અહીં આવશો તો જીવતા નહીં નરવા દઈએ" તેવી ધમકી આપી ભીડમાં ગાયબ થઈ ગયા હતા.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા

ખાખી પરના હુમલાને ગંભીરતાથી લઈને જવાહરનગર પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને રણોલી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી દેવરાજ ઉર્ફે દેવો અનિલભાઈ બારોટ અને તેના સાથી અજય પંઢરી મસ્કેને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ:

  • સરકારી કર્મચારી પર હુમલો

  • ફરજમાં રૂકાવટ

  • પ્રોપર્ટી ડેમેજ એક્ટ (સરકારી મિલકતને નુકસાન)

  • જાનથી મારી નાખવાની ધમકી

જેવી વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now