Home Gujarat Vadodara Vadodara Railway Tte Molestation Case Fir Accused Absconding

વડોદરામાં રેલવેના TTEએ યુવતી સાથે ટ્રેનમાં કર્યા શારીરિક અડપલાં : પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી ફરાર

TTE દ્વારા યુવતીની છેડતી
Published by: Chintan Chavda
Last Updated: May 30, 2026, 11:15 AM IST

રેલવેમાં મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાની જેમના પર જવાબદારી હોય છે, તેવા એક જવાબદાર કર્મચારીએ જ માનવતા અને વિશ્વાસને શરમાવે તેવું કૃત્ય આચર્યું હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરામાં અભ્યાસ કરતી એક પરપ્રાંતીય યુવતી સાથે ટ્રેનના ફર્સ્ટ એસી કોચની અંદર અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં કરવા બદલ રેલવેના જ એક TTE (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) સામે ગુનો નોંધાયો છે. ઘટનાના પગલે રેલવે તંત્ર અને મુસાફરોમાં ભારે ચકચાર મચી ગઈ છે. વડોદરા રેલવે પોલીસે યુવતીની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિચિત હોવાનો ગેરફાયદો ઉઠાવ્યો

પોલીસ સૂત્રો અને ફરિયાદની વિગતો અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતે રહેતો અને રેલવેમાં TTE તરીકે ફરજ બજાવતો સંજયકુમાર બાબુલાલ ઝીણા નામનો શખ્સ આ ગુનામાં આરોપી છે. આરોપી સંજય પીડિત યુવતીના પરિવાર અને ખાસ કરીને તેની માસીનો જૂનો પરિચિત હતો. વડોદરામાં રહીને અભ્યાસ કરતી યુવતીને તેની માસી માટે એક ડ્રેસ મોકલવાનો હતો. આથી તેની માસીએ વિશ્વાસ રાખીને યુવતીને જણાવ્યું હતું કે, સંજયકુમાર રેલવેમાં હોવાથી તેની સાથે આ ડ્રેસ મોકલી આપજે. માસીના કહેવાથી યુવતી સંજયનો સંપર્ક કરીને ડ્રેસ આપવા માટે વડોદરા રેલવે સ્ટેશને પહોંચી હતી.

આ પણ વાંચો: નકલી IB અધિકારી બની પોતાના જ કાર્યકરને ધમકી આપવાનો કેસ : 'AAP' પ્રમુખ સહિત 2ની ધરપકડ

ફર્સ્ટ એસી કોચમાં બોલાવી આચરી બદનક્ષી

ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશને આવી ત્યારે આરોપી સંજય ઝીણાએ યુવતીને ટ્રેનના ફર્સ્ટ એસી (First AC) કોચ પાસે બોલાવી હતી. ડ્રેસની આપ-લે કરવાના બહાને આરોપીએ યુવતીને કોચની અંદર બોલાવી લીધી હતી. ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં એકાંતનો લાભ ઉઠાવીને આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે અશ્લીલ ચેષ્ટાઓ કરી હતી અને શારીરિક અડપલાં કર્યા હતા. માસીના પરિચિત અને રેલવેના સત્તાવાર કર્મચારી દ્વારા આચરવામાં આવેલા આ અણછાજતા વર્તનથી યુવતી ભારે આઘાતમાં સરી પડી હતી.

આ પણ વાંચો: ખંડણીનો ખોફ : વડોદરાના ટ્રાન્સપોર્ટર પાસે ₹50 લાખની માંગણી, પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

ઝીરો નંબરથી ફરિયાદ વડોદરા ટ્રાન્સફર કરાઈ, આરોપી મોબાઈલ બંધ કરી ફરાર

આ ભયાનક ઘટના બાદ ગભરાઈ ગયેલી યુવતીએ મહારાષ્ટ્ર પહોંચીને પોતાના પરિવારને આપવીતી જણાવી હતી. યુવતીના પરિવારે તુરંત જ મહારાષ્ટ્રમાં સ્થાનિક પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટના વડોદરા રેલવે સ્ટેશનની હદમાં બની હોવાથી, મહારાષ્ટ્ર પોલીસે 'ઝીરો નંબર'થી ગુનો નોંધીને આગળની તપાસ માટે આ કેસ વડોદરા રેલવે પોલીસને ટ્રાન્સફર કર્યો હતો.

આ પણ વાંચો: PM મોદી 5 જૂને આવશે ગુજરાતની મુલાકાતે : સુરત અને દમણમાં યોજાશે મેગા કાર્યક્રમ, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

વડોદરા રેલવે પોલીસે ગુનો નોંધીને આરોપી TTE સંજયકુમાર ઝીણાની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, પોલીસ ફરિયાદની ગંધ આવી જતાં આરોપી રેલવે કર્મચારી પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને ફરાર થઈ ગયો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાની તજવીજ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now