વડોદરા શહેરમાં વેપારીઓ અને ઉદ્યોગકારોને નિશાન બનાવી વિદેશી નંબરો પરથી ધમકી આપતી ગેંગ સક્રિય હોવાની આશંકા વચ્ચે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના સમા કેનાલ રોડ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા એક પંજાબી પરિવારે વિદેશી નંબર પરથી મળેલી ધમકીઓ અને ₹50 લાખની ખંડણીની માંગણી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં સમગ્ર પરિવાર ભારે ભયના માહોલમાં જીવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સમા કેનાલ રોડ પર આવેલી ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા હરજન્તસિંહ અવતારસિંહ હુંદલ છાણી ગુરુદ્વારા નજીક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમના જણાવ્યા મુજબ ગત માર્ચ મહિનામાં તેમના મોબાઈલ ફોન પર વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવવાનું શરૂ થયું હતું.
'મુઝે સેવા ચાહિયે'થી શરૂ થયેલી વાત ધમકી સુધી પહોંચી
ફરિયાદ મુજબ, ગત 5 માર્ચના રોજ +49 સિરીઝ ધરાવતા વિદેશી નંબર પરથી એક વ્યક્તિએ હરજન્તસિંહનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં હિન્દીમાં “મુઝે સેવા ચાહિયે” કહી વાત શરૂ કરનાર વ્યક્તિને હરજન્તસિંહે પોતે ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું.
આ પછી કોલ કરનાર વ્યક્તિનો સ્વર બદલાયો હતો અને તેણે કથિત રીતે કહ્યું હતું કે “સેવા લેના મેં જાનતા હૂં.” ત્યારબાદ પંજાબી ભાષામાં વોઈસ મેસેજ મોકલી પરિવારના સભ્યોને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ અનુસાર આરોપીએ પરિવારના સભ્યો જ્યાં મળશે ત્યાં તેમને નુકસાન પહોંચાડવાની ચેતવણી પણ આપી હતી. આ ધમકીઓ બાદ હરજન્તસિંહે સુરક્ષાના હેતુસર તે નંબર બ્લોક કરી દીધો હતો. જોકે આ પછી પણ ગેંગે
પરિવારનો પીછો છોડ્યો નહોતો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ : પાવરગ્રીડ મુદ્દે આંદોલન ઉગ્ર બન્યું
દીકરાઓ અને પત્નીને પણ બનાવ્યા નિશાન
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ પાસે પરિવારની વ્યક્તિગત વિગતો, ઘરનું સરનામું અને ઓફિસની માહિતી પહેલેથી જ ઉપલબ્ધ હતી. જેના કારણે પરિવારની ચિંતા વધુ વધી ગઈ હતી.
નંબર બ્લોક કર્યા બાદ આરોપીઓએ હરજન્તસિંહના દીકરાઓ ધલેરસિંહ અને સમસેરસિંહના મોબાઈલ ફોન પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. મેસેજ અને કોલ દરમિયાન પોતાનું નામ ગુરજન્મ જવન્ડા હોવાનું જણાવી આરોપીએ દાવો કર્યો હતો કે તે હરજન્તસિંહ અને તેમની ઓફિસ વિશે સંપૂર્ણ માહિતી ધરાવે છે. પરિવારના સભ્યોને વારંવાર ધમકીભર્યા સંદેશાઓ મળતા તેઓ સતત ભયમાં રહેવા મજબૂર બન્યા હતા. ઘટનાએ પરિવારના દૈનિક જીવન અને વ્યવસાય પર પણ અસર પાડી હોવાનું કહેવાઈ રહ્યું છે.
પત્ની પાસે સીધી ₹50 લાખની માંગણી
મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે ગત 21 માર્ચના રોજ હરજન્તસિંહની પત્ની લખવિંદર કૌરને સીધો ફોન કરીને ₹50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, આરોપીએ નાણાં નહીં ચૂકવવામાં આવે તો પરિવારને ગંભીર નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. પરિવારના સભ્યોને નિશાન બનાવવાની ભાષા વાપરતા પરિવારજનોએ આખરે પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સુરક્ષા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: નકલી IB અધિકારી બની પોતાના જ કાર્યકરને ધમકી આપવાનો કેસ : 'AAP' પ્રમુખ સહિત 2ની ધરપકડ
પંજાબ સુધી પહોંચ્યા તપાસના તાર
તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ માહિતી એવી પણ સામે આવી છે કે ગેંગે માત્ર વડોદરામાં જ નહીં પરંતુ પંજાબમાં ખેતીકામ કરતા પરિવારના સંબંધી વ્યક્તિને પણ ધમકીઓ આપી હતી. જેના કારણે આ સમગ્ર નેટવર્ક વધુ વ્યાપક હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓ ખરેખર વિદેશમાં બેઠા છે કે પછી જેલમાંથી અથવા અન્ય સ્થળેથી ડિજિટલ માધ્યમો દ્વારા આ પ્રકારની ખંડણીની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં RTE પ્રવેશ અંગે વાલીઓમાં નારાજગી : જાણો કઈ માંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કરી રજૂઆત
સાયબર ક્રાઈમ અને પોલીસની સંયુક્ત તપાસ
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમા પોલીસ અને સાયબર ક્રાઇમ શાખાએ તપાસ શરૂ કરી છે. વિદેશી નંબર, વોટ્સએપ કોલ રેકોર્ડ, આઈપી એડ્રેસ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તાજેતરના સમયમાં ગુજરાતના વિવિધ શહેરોમાં વિદેશી નંબરો પરથી વેપારીઓ અને ઉદ્યોગકારોને ધમકી આપી ખંડણી માંગવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આવા કેસોમાં આરોપીઓ ઘણી વખત સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે વ્યક્તિગત માહિતી મેળવી લોકોને નિશાન બનાવતા હોવાનું તપાસ એજન્સીઓ માને છે. હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારને જરૂરી સુરક્ષા ઉપલબ્ધ કરાવવા અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.





