Vadodara News : દેવશયની (દેવપોઢી) એકાદશીના પાવન અવસરે સંસ્કારનગરી વડોદરા આજે ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગઈ હતી. શહેરના ઐતિહાસિક શ્રી વિઠ્ઠલ મંદિર ખાતે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો પરંપરાગત વૈભવ, ધાર્મિક વિધિઓ અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય રીતે નીકળ્યો હતો. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને "જય જય રામ કૃષ્ણ હરિ" તથા "વિઠ્ઠલ વિઠ્ઠલ"ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ વરઘોડો માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ વડોદરાની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનું પણ જીવંત પ્રતિક માનવામાં આવે છે. છેલ્લા બે સદીથી વધુ સમયથી અવિરત ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભવ્યતા સાથે જળવાઈ રહી છે. દર વર્ષે દેવપોઢી એકાદશીના દિવસે હજારો ભક્તો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા અને આ ઐતિહાસિક વરઘોડાના સાક્ષી બનવા વડોદરા પહોંચે છે.
રાજવી પરિવારની હાજરીમાં પરંપરાગત વિધિઓ સંપન્ન
વરઘોડા પૂર્વે મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિશેષ પૂજન-અર્ચન અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના રાજવી પરિવારના સભ્ય અને રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવતી સેવા બાદ વરઘોડાને વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીને ભવ્ય રીતે શણગારેલા સોના-ચાંદીના અલંકારિત રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. રથ પર ફૂલોની આકર્ષક સજાવટ, ધાર્મિક ધ્વજો અને પરંપરાગત શણગાર ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાનના દર્શન માટે માર્ગના બંને બાજુ મોટી સંખ્યામાં ભક્તો ઉભા રહી આશીર્વાદ પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા.
ભજન-કીર્તન અને હરિનામ સંકીર્તનથી ગુંજી ઉઠ્યું શહેર
વરઘોડા દરમિયાન વારકરી સમાજના ભક્તો, સંતો, મહંતો અને વિવિધ ભજન મંડળીઓએ હરિનામ સંકીર્તન, ભજન અને કીર્તન દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. પરંપરાગત વાદ્યોના તાલે ભક્તો ભગવાનના નામનો જાપ કરતા આગળ વધી રહ્યા હતા. અનેક સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા ભગવાનની આરતી ઉતારી પુષ્પવર્ષા કરીને વરઘોડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરાના અનેક વિસ્તારોમાં રહેવાસીઓએ ભગવાનના દર્શન માટે ખાસ વ્યવસ્થા કરી હતી. મહિલાઓ, યુવાનો, વૃદ્ધો અને બાળકો સહિત દરેક વયના લોકો આ ઐતિહાસિક વરઘોડામાં જોડાઈ ભક્તિભાવ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
કેદારેશ્વર મહાદેવ ખાતે હરિ-હર મિલનની પરંપરા
વરઘોડાની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક પરંપરાઓમાંની એક હરિ-હર મિલનની વિધિ છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરે લગભગ 1 વાગ્યે કીર્તિ મંદિર નજીક આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી અને ભગવાન મહાદેવના હરિ-હર મિલનનો ધાર્મિક પ્રસંગ યોજાવાનો છે. હિંદુ ધાર્મિક પરંપરામાં હરિ અને હરના આ મિલનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ વચ્ચેની એકતા, સમન્વય અને પરસ્પર આદરનું આ પ્રતિક માનવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આ દિવ્ય પ્રસંગના દર્શન કરવા ખાસ ઉપસ્થિત રહે છે.
સાંજ સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
હરિ-હર મિલન બાદ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો પરંપરાગત માર્ગ પરથી ફરી નિજ મંદિરે પરત ફરશે. સાંજે લગભગ 5 વાગ્યે ભગવાનની વાપસી બાદ વિશેષ દર્શન અને ધાર્મિક વિધિઓ યોજાશે. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે ભગવાનની શયન આરતી કરવામાં આવશે, જે સાથે દેવપોઢી એકાદશીના મુખ્ય ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ થશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે દર્શન, પ્રસાદ વિતરણ, પાણી અને સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેતા પોલીસ તંત્ર દ્વારા પણ ટ્રાફિક અને સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
બે સદીથી વધુ જૂની પરંપરા આજે પણ જીવંત
ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો આ ઐતિહાસિક વરઘોડો લગભગ 217 વર્ષથી સતત યોજાઈ રહ્યો છે. માન્યતા અનુસાર અગાઉના સમયમાં ગુજરાતમાંથી દરેક ભક્ત માટે મહારાષ્ટ્રના પંઢરપુર સુધી જઈ ભગવાન વિઠ્ઠલના દર્શન કરવાનું શક્ય બનતું ન હતું. આવા હરિભક્તોને પોતાના શહેરમાં જ ભગવાનના દર્શનનો લાભ મળે તે હેતુથી આ પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી.
સમય બદલાયો, પરિવહનની સુવિધાઓ વધી અને આજે પંઢરપુર પહોંચવું સરળ બન્યું હોવા છતાં આ પરંપરાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ જરાય ઓછું થયું નથી. દર વર્ષે હજારો ભક્તો આ વરઘોડામાં જોડાઈ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદ બાદ મોટી રાહત : BRTS-AMTS ફરી દોડવા લાગી, અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી બદલાયા રૂટ
મહારાજે ભક્તોને આપ્યો સંદેશ
આ પ્રસંગે શ્રી વિઠ્ઠલ મંદિરના હરીઓમ વ્યાસ મહારાજે જણાવ્યું હતું કે દેવપોઢી એકાદશી હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર દિવસ છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ યોગનિદ્રામાં પ્રવેશ કરે છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો માત્ર એક ધાર્મિક શોભાયાત્રા નથી, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને સદીઓથી ચાલી આવતી પરંપરાનું જીવંત પ્રતિક છે. તેમણે વધુમાં જણાવ્યું કે પંઢરપુર ન જઈ શકતા હરિભક્તોને ભગવાનના દર્શનનો લાભ મળે તે માટે શરૂ થયેલી આ પરંપરા આજે પણ અવિરત ચાલુ છે અને ભવિષ્યમાં પણ આ આધ્યાત્મિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ ચાલુ રહેશે.






