Uttarakhand Technical University Paper Leak: દેશભરમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓનો આક્રોશ સતત વધી રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને પેપર લીક સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે. આવા સમયે ઉત્તરાખંડમાંથી ફરી એકવાર પરીક્ષા પ્રણાલીને લઈને ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. ઉત્તરાખંડ ટેક્નિકલ યુનિવર્સિટીની એન્જિનિયરિંગની બે પરીક્ષાના પ્રશ્નપત્રો કથિત રીતે પરીક્ષા પહેલાં જ લીક થઈ જવાના આક્ષેપો બાદ યુનિવર્સિટીએ બંને પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી છે. આ સમગ્ર ઘટનાએ માત્ર ઉત્તરાખંડ જ નહીં પરંતુ દેશભરમાં ચાલી રહેલી પેપર લીકની ચર્ચાને વધુ વેગ આપ્યો છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે પારદર્શિતા અને જવાબદારી જરૂરી હોવાની માંગ વચ્ચે હવે આ ઘટનાએ વધુ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. યુનિવર્સિટીએ મામલાની તપાસ શરૂ કરી છે અને આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.
પરીક્ષા પહેલાં પ્રશ્નો વોટ્સએપ પર મોકલ્યાનો આરોપ
પ્રાથમિક માહિતી અનુસાર, શિવાલિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા એક પ્રોફેસરને પ્રશ્નપત્ર તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આરોપ છે કે તેમણે પરીક્ષા પહેલાં જ પોતાના કોલેજના એક વોટ્સએપ ગ્રુપમાં એવા પ્રશ્નો શેર કર્યા હતા, જે બાદમાં લેવામાં આવેલી પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે મોટા પ્રમાણમાં મેળ ખાતા હતા. આક્ષેપો સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવેલી માહિતીના આધારે બે વિષયોની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીના કુલપતિએ શું કહ્યું?
વીર માધો સિંહ ભંડારી ઉત્તરાખંડ ટેક્નિકલ યુનિવર્સિટીના કુલપતિ (Vice Chancellor) તૃપ્તા ઠાકુરે જણાવ્યું કે, આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, સંબંધિત શિક્ષકને આગામી સાત વર્ષ સુધી યુનિવર્સિટીની કોઈપણ પરીક્ષા પ્રક્રિયામાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શિક્ષકો પર વિદ્યાર્થીઓના ભવિષ્યની મોટી જવાબદારી હોય છે અને આવી ઘટના સમગ્ર પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે. યુનિવર્સિટીએ સંબંધિત કોલેજને પણ શિક્ષક સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
આ પણ વાંચો: લગ્નમાં જાન લઈને જતી કાર તળાવમાં ખાબકી! : 5ના મોત, 2નો ચમત્કારિક બચાવ; ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ
કોલેજની ભૂમિકા પણ તપાસના દાયરામાં
આ સમગ્ર ઘટનામાં સંબંધિત કોલેજની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, કોલેજ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીથી તેઓ સંપૂર્ણ રીતે સંતોષી નથી. અહેવાલો મુજબ, આરોપી શિક્ષક સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે એક પ્રશ્નપત્ર અગાઉથી જ લીક થઈ ગયો હતો. ત્યારબાદ વધુ તપાસમાં બીજા એક વિષયને લઈને પણ સમાન પ્રકારની ગેરરીતિ સામે આવતા તે પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી.
કયા વિષયનો પ્રશ્નપત્ર વિવાદમાં આવ્યો?
આ મામલો ખાસ કરીને Machine Learning for Internet of Things વિષયની પરીક્ષા સાથે જોડાયેલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે પરીક્ષા પહેલાં જ વોટ્સએપ પર શેર કરવામાં આવેલા લગભગ 90 ટકા પ્રશ્નો પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે મળતા આવતા હતા. આક્ષેપો મુજબ, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલા શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં સમાન પ્રશ્નો મોકલ્યા હતા. જોકે, આ તમામ આરોપોની તપાસ હાલ ચાલુ છે અને અંતિમ જવાબદારી તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના આંદોલનને મળ્યો બોલિવૂડનો ટેકો : આલિયા ભટ્ટ થઈ ભાવુક; હુમા કુરેશી મોડી રાત્રે જંતર-મંતર પહોંચી
ઓગસ્ટમાં ફરી લેવાશે પરીક્ષા
યુનિવર્સિટીએ બંને રદ કરાયેલી પરીક્ષાઓ હવે ઓગસ્ટ મહિનામાં ફરીથી યોજવાનો નિર્ણય લીધો છે. નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. યુનિવર્સિટીનું કહેવું છે કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પારદર્શક રીતે ફરી પરીક્ષા લેવામાં આવશે જેથી કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય.
પેપર લીક મુદ્દે ફરી ઊભા થયા મોટા પ્રશ્નો
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ભરતી પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના અનેક કેસો સામે આવ્યા છે. જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે. હાલમાં દિલ્હીમાં પણ આ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આવા સમયે ઉત્તરાખંડની આ ઘટના ફરી એકવાર પરીક્ષા સુરક્ષા, પ્રશ્નપત્રોની ગુપ્તતા અને જવાબદારીની વ્યવસ્થા અંગે ગંભીર ચર્ચા ઊભી કરી રહી છે. તપાસ એજન્સીઓ હવે સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ પેપર લીક કેવી રીતે થયું, તેમાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં અને જવાબદારો સામે કઈ કાર્યવાહી થશે તે અંગે સ્પષ્ટતા થશે.





