Home Gujarat Urban Development Year 2025 Cm Bhupendra Patel Surat 600 Crore Projects

શહેરી વિકાસ વર્ષ 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતને રૂ.600 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી

શહેરી વિકાસ વર્ષ 2025
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 12:15 PM IST

Urban Development 2025: શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને રૂ.600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. સુરત ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુડા (સુરત શહેરી વિકાસ સત્તામંડળ) અને અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (URDCL)ના અનેક મહત્વપૂર્ણ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.

મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂ.249 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.109.51 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ URDCL દ્વારા અમલમાં મૂકાનાર અંદાજિત રૂ.242 કરોડના આઉટર રિંગ રોડ અને ફ્લાયઓવર જેવા પ્રકલ્પોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપના કારણે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં શહેરી વિકાસને નવી દિશા મળી છે. સ્વચ્છતા, સુવિધા અને ઈઝ ઓફ લિવિંગ પર ભાર મુકતા તેમણે સુરતના નાગરિકોને સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની અપીલ કરી. સુરત આઉટર રિંગ રોડ પૂર્ણ થતા ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે અને જનસુવિધામાં વધારો થશે તેવું પણ તેમણે જણાવ્યું.

મુખ્યમંત્રીએ ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખી “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ વૃક્ષારોપણ અને વરસાદી પાણીના સંચય પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આજે ગુજરાતનો દરિયાકિનારો વિકાસ અને સમૃદ્ધિનું કેન્દ્ર બન્યો છે.

નાણામંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસ માટે રૂ.30 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે આ વિકાસ પ્રકલ્પો શહેરના નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવશે.

આ કાર્યક્રમ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકો માટે વોટ્સએપ ચેટબોટ આધારિત ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું, જે ડિજિટલ ગવર્નન્સ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now