Home Gujarat Union Minister Amit Shah Spoke At The Oath Taking Ceremony Of Ima Office Bearers

'તબીબોનું ફોકસ ઇલનેસને બદલે વેલનેસ પર રહેવું જોઈએ' : IMAના પદાધિકારીઓના શપથવિધિ સમારંભમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી અમિત શાહ

'તબીબોનું ફોકસ ઇલનેસને બદલે વેલનેસ પર રહેવું જોઈએ'
Published by: OBS Bureau
Last Updated: Dec 28, 2025, 10:42 AM IST

Centenary of Medical Association : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા વરાયેલા પદાધિકારીઓનો શપથવિધિ સમારંભમાં અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની શતાબ્દી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્વચ્છતા મિશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા, યોગ દિવસની ઉજવણી, આયુષ્યમાન ભારત યોજના, આભા અને ઇન્દ્રધનુષ અભિયાન, જેનરિક દવાઓને પ્રોત્સાહન, ઉપરાંત ટેલિમેડિસીન, વિડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન વગેરે પ્રયાસો હાથ ધરાયા છે. દેશમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ. 1,65,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશનું આરોગ્ય બજેટ વર્ષ 2013-14માં રૂ. 37,000 કરોડથી વધારીને આજે રૂ. 1,28,000 કરાયું છે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે અનેક સકારાત્મક પરિવર્તનો જોવા મળી રહ્યાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.

'...હેલ્ધી ડેમોગ્રાફી આવશ્યક છે'

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવો હોય તો હેલ્ધી ડેમોગ્રાફી આવશ્યક છે અને આ બાબતે તબીબોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. તબીબોએ ઈલનેસને બદલે વેલનેસને પોતાનું ફોકસ બનાવવું જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું. કોરોના કાળમાં દેશભરના તબીબોએ કરેલી સેવાઓને હૃદયપૂર્વક બિરદાવવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ તબીબોને આયુષ્યમાન ભારત યોજના તથા જેનરિક દવાઓ બાબતે તબીબો દ્વારા સકારાત્મક માહોલ ઊભો કરવામાં આવે, એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

'સમય સાથે તબીબી ક્ષેત્રના એથિક્સનાં પરિમાણો પણ બદલવા જરૂરી બન્યું'

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે તબીબી ક્ષેત્રના એથિક્સનાં પરિમાણો પણ બદલવા જરૂરી બન્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેએશ જેવી સંસ્થાઓએ મેડિકલ એથિક્સને રીડિફાઇન કરવા માટે પ્રયાસો કરવા જોઈએ. મેડિકલ કૉલેજોમાં ભાવી ડોક્ટરોનું એથિક્સની સમજ સાથે ઘડતર કરીને દેશને સારા ડૉક્ટરો મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ આઈએમએ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી તથા આ એસોસિયેશન સાથે સંકળાયેલા તબીબો ટેલિમેડિસીન તેમજ વિડિયો કાઉન્સેલિંગ જેવી પ્રવૃત્તિઓમાં જોડાય, એવી અપીલ કરી હતી. એસોસિયેશન તબીબોની માગણીઓની રજૂઆત કરવાની સાથે સાથે દેશનું આરોગ્ય ક્ષેત્ર વધારે મજબૂત અને અભેદ્ય બને એ માટે પણ પ્રયાસો કરશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. અમિતભાઈએ નવા વરાયેલા રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનિલ નાયકને ઊર્જાવાન ગણાવીને તેમના થકી એસોસિયેશનને નવી ઊર્જા અને ગતિ પ્રાપ્ત થશે, એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

'દર વર્ષે 7000 હજારથી વધુ ડૉક્ટરો મળતા થયા છે'

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર માટેની લેટેસ્ટ ટેકનોલોજી તથા અનેક મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી આરોગ્ય સેવાઓ વધારે સજ્જ બની છે. દેશમાં એઇમ્સ, મેડિકલ કૉલેજો તથા સુપરસ્પેશિયાલિટી હોસ્ટિપટલોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. ગુજરાત સરકારે પણ શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં આરોગ્ય અને મેડિકલ શિક્ષણ પર હંમેશાં ભાર મૂક્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે રાજ્યમાં માત્ર 1175 મેડિકલ સીટો હતી, આજે જિલ્લા દીઠ એક મેડિકલ કોલેજના આયોજનથી દર વર્ષે 7000 હજારથી વધુ ડૉક્ટરો મળતા થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

'મેડિકલ કૉલેજોની સંખ્યા 731 થઈ ગઈ'

વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતના મેડિકલ એજ્યુકેશન સેક્ટરમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યાં છે, એવું જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વર્ષ 2014 પહેલાં દેશમાં 387 મેડિકલ કોલેજો હતી, તેમાં 88 ટકા વધારો નોંધાતાં આજે મેડિકલ કૉલેજોની સંખ્યા 731 થઈ ગઈ છે. આ ઉપરાંત એમબીબીએસની સીટોમાં 118 ટકાનો વધારો થયો છે. 2014માં મેડિકલ સીટ 51 હજાર હતી, જે આજે વધીને એક લાખ 12 હજારને પાર કરી ગઈ છે. પીજી સીટોમાં 133 ટકાના વધારા સાથે તેની સંખ્યા 31 હજારમાંથી અત્યારે 72 હજાર થઈ ગઈ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

100 સ્ટેપ્સ ફોર હેલ્ધી લાઇફ

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે '100 સ્ટેપ્સ ફોર હેલ્ધી લાઇફ'નું વિમોચન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર પણ એનાયત કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આઈએમએ દ્વારા આયોજિત ત્રીદિવસીય નેશનલ કોન્ફરન્સમાં દેશભરના પાંચ હજારથી વધારે તબીબો સહભાગી થયા હતા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now