Home Business Union Budget 2026 Government Spending Sectors Data

કયા સેક્ટરમાં સૌથી વધુ ખર્ચ કરે છે સરકાર? : જૂના આંકડા પરથી સમજો ગણિત

કયા સેક્ટરમાં સૌથી વધુ ખર્ચ કરે છે સરકાર?
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 04:21 PM IST

દેશનું કેન્દ્રીય બજેટ રવિવાર, 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. બજેટ રજૂ થવાને હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે ત્યારે સામાન્ય લોકોમાં ઉત્સુકતા છે કે સરકાર તેમના ટેક્સના પૈસા ક્યાં વાપરે છે. સામાન્ય રીતે રસ્તા, રેલવે કે સંરક્ષણની ચર્ચાઓ વધુ થતી હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સરકારનો સૌથી મોટો ખર્ચ કયો છે? પાછલા બજેટના આંકડાઓ પરથી જાણીએ સરકારના ખર્ચનું સરવૈયું.

વ્યાજની ચુકવણી: સરકારનો સૌથી મોટો બોજ

બજેટ 2024-25 ના સુધારેલા અંદાજો અને વર્ષ 2025-26 ના ડેટા મુજબ, સરકારના કુલ ખર્ચનો સૌથી મોટો હિસ્સો વ્યાજની ચુકવણીમાં જાય છે. 2024-25 માં વ્યાજની ચુકવણી કુલ ખર્ચના લગભગ 24% હતી, જે 2025-26 માં વધીને આશરે 25% થવાનો અંદાજ છે. સાદી ભાષામાં કહીએ તો, સરકાર દ્વારા ખર્ચવામાં આવતા દરેક 1 રૂપિયામાંથી ચોથો ભાગ અગાઉ લીધેલા દેવાના વ્યાજ ભરવામાં વપરાય છે. આ રકમમાંથી કોઈ નવી મિલકત કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન થતું નથી.

મંત્રાલય મુજબ સૌથી વધુ ફાળવણી: સંરક્ષણ ક્ષેત્ર મોખરે

જો મંત્રાલયોની વાત કરીએ તો, સંરક્ષણ મંત્રાલયને હંમેશા સૌથી મોટું ભંડોળ મળે છે. બજેટ 2025-26 માં સંરક્ષણ મંત્રાલયને 6.81 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે અગાઉના વર્ષ કરતા 10% વધુ છે. આ રકમનો ઉપયોગ સૈનિકોના પગાર, પેન્શન, આધુનિક હથિયારોની ખરીદી અને ઓપરેશનલ તૈયારીઓ માટે કરવામાં આવે છે.

રાજ્યોનો હિસ્સો અને સબસિડીનું ગણિત

કેન્દ્રીય ખર્ચનો એક મોટો ભાગ સીધો રાજ્યોને ટ્રાન્સફર કરવામાં આવે છે. સેન્ટ્રલ ટેક્સ અને ડ્યુટીમાં રાજ્યોનો હિસ્સો કુલ ખર્ચના લગભગ 22% જેટલો હોય છે. આ સિવાય:

  • ગ્રામીણ વિકાસ: ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને આવાસ માટે પાછલા બજેટમાં 2.66 લાખ કરોડ રૂપિયા ફાળવાયા હતા.

  • સબસિડી: ખાદ્ય સામગ્રી અને ખાતર પરની સબસિડી કુલ ખર્ચના આશરે 6% હિસ્સો ધરાવે છે.

  • પેન્શન: સરકારી કર્મચારીઓના પેન્શન પાછળ કુલ બજેટના લગભગ 4% ખર્ચ થાય છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન

સરકાર લાંબાગાળાના આર્થિક વિકાસ માટે રોડ, હાઈવે અને રેલવે જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પણ મોટું રોકાણ કરે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને દર વર્ષે માતબર રકમ ફાળવવામાં આવે છે જેથી લોજિસ્ટિક્સની કાર્યક્ષમતા વધારી શકાય.

જૂના બજેટના આંકડા સ્પષ્ટ કરે છે કે સરકારના ખર્ચમાં વ્યાજની ચુકવણી સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતા પણ વધુ છે. આ જ કારણ છે કે નાણાકીય શિસ્ત અને દેવા પર નિયંત્રણ રાખવું સરકાર માટે અનિવાર્ય બની જાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now