Home Sports Unable To Get A Flight The World Champion Player Reached Mumbai By Hiding In A Train

ફ્લાઇટ ન મળતા વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી ટ્રેનમાં છુપાઈને મુંબઈ પહોંચ્યો! : બાળકોને મળવાની આતુરતામાં સ્ટારડમ બાજુ પર મૂકી ટ્રેનમાં કરી મુસાફરી

ફ્લાઇટ ન મળતા વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી ટ્રેનમાં છુપાઈને મુંબઈ પહોંચ્યો!
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 09:56 AM IST

Indian Cricket Team : T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની ઐતિહાસિક જીત બાદ આખું દેશ ઉજવણીમાં ડૂબેલું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે મળેલી ભવ્ય જીતના હીરો રહેલા ખેલાડીઓનું ઠેર-ઠેર સ્વાગત થઈ રહ્યું છે. જોકે, આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાના એક સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબેની ઘરવાપસીની કહાની સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. શિવમ દુબે સેલિબ્રિટી હોવા છતાં સામાન્ય મુસાફરની જેમ ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો હતો.

કેમ ટ્રેનમાં મુસાફરી કરવી પડી?

વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી, જેના કારણે 9 માર્ચ સુધી અમદાવાદથી મુંબઈ જતી તમામ ફ્લાઈટ્સ હાઉસફુલ હતી. શિવમ દુબે તેના બાળકોને મળવા માટે એટલો આતુર હતો કે, તે ફ્લાઇટની રાહ જોવા માંગતો ન હતો. અંતે તેને પોતાની પત્ની અને એક મિત્ર સાથે ટ્રેન દ્વારા મુંબઈ જવાનો નિર્ણય કર્યો.

ઓળખ છુપાવવા કર્યો અનોખો જુગાડ

રેલ્વે સ્ટેશન પર લોકોની ભીડથી બચવા માટે શિવમ દુબેએ પોતાની ઓળખ છુપાવવી જરૂરી હતી. આ માટે તેને મોઢા પર માસ્ક અને માથા પર ટોપી પહેરી હતી. ટ્રેન ઉપડવાની માત્ર 5 મિનિટ પહેલા જ તે પ્લેટફોર્મ પર પહોંચ્યો હતો અને અમદાવાદ-મુંબઈ સયાજી એક્સપ્રેસના એસી થ્રી-ટાયર કોચમાં પોતાની સીટ પર પહોંચી ગયો હતો. કોઈ તેને ઓળખી ન જાય તે માટે તે સીધો અપર બર્થ (ઉપરની સીટ) પર જઈને સૂઈ ગયો હતો.

જ્યારે ટીટીઈએ પત્નીને સવાલ પૂછ્યો

રિપોર્ટ્સ અનુસાર, ટીટીઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) ટિકિટ તપાસવા આવ્યો અને પૂછ્યું, "આ સીટ પર કોણ છે? શિવમ દુબે? તે ક્રિકેટર?" શિવમની પત્ની, અંજુમે વિરામ લીધા વિના જવાબ આપ્યો, "ના, ના. તે અહીં ક્યાંથી આવશે?" ટીટીઈ ગયા પછી, લાંબી ટુર્નામેન્ટ અને ઉજવણીથી થાકેલા શિવમ દુબેએ આઠ કલાકની મુસાફરી દરમિયાન સૂવાનો પ્રયાસ કર્યો.

મુંબઈ પહોંચવા માટે પોલીસની મદદ લીધી

8 કલાકની મુસાફરી બાદ જ્યારે ટ્રેન મુંબઈના બોરીવલી સ્ટેશન પર પહોંચી, ત્યારે ત્યાં ભીડમાં ઓળખાઈ જવાનો ડર હતો. આથી આ સ્ટાર ખેલાડીએ સ્થાનિક પોલીસની મદદ માંગી. જ્યારે પોલીસને ખબર પડી કે એક વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે, ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અંતે, પોલીસ સુરક્ષા વચ્ચે તે કોઈપણ હોબાળા વગર સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શક્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now