Home International Ukraine Russia War Peace Talks Zelenskyy Meets Macron Trump Peace Plan Gujarati News

રશિયા યુક્રેનનું યુદ્ધ યથાવત : યુદ્વવિરામ અંગેની ચર્ચામાં કોઈ નિરાકરણ નહીં: ઝેલેંસ્કી

રશિયા યુક્રેનનું યુદ્ધ યથાવત
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 04:22 PM IST

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા યુદ્ધનો અંત લાવવા માટે હવે રાજદ્વારી ગતિવિધિઓ તેજ બની છે. અમેરિકાના ફ્લોરિડામાં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે હજુ ઘણા મહત્વના મુદ્દાઓ પર સ્પષ્ટતા થવાની બાકી છે. ઝેલેન્સ્કીએ આ નિવેદન અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની ચર્ચા બાદ આપ્યું હતું. બીજી તરફ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ વિરામ માટે ગંભીર પ્રયાસો કરી રહ્યા છે અને હવે આ દિશામાં નક્કર પગલાં લેવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

પેરિસમાં શાંતિ પ્રસ્તાવ પર મંથન

પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ યુક્રેનિયન પ્રેસિડન્ટ પેરિસ પહોંચ્યા છે જ્યાં તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર ગંભીર ચર્ચાઓ થઈ હતી. આ દરમિયાન અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ હવે યુક્રેનની ધરતી પર વધુ લોહી રેડાય તેવું ઈચ્છતા નથી અને તેઓ માત્ર શાંતિ ઈચ્છે છે.

ટ્રમ્પના દૂત રશિયા પહોંચ્યા

બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં થયેલા આ સૌથી ભયાનક સંઘર્ષને રોકવા માટે ટ્રમ્પના નેતૃત્વમાં પ્રયાસો વેગીલા બન્યા છે. ફ્લોરિડામાં થયેલી મિટિંગના પરિણામો અને સંદેશ લઈને ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ હવે મોસ્કો પહોંચી ગયા છે. તેઓ ત્યાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે રૂબરૂ મુલાકાત કરશે અને અમેરિકાનો પક્ષ મૂકશે. આ બેઠક યુદ્ધના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

યુરોપિયન દેશોનો પક્ષ

આગામી મંગળવારે ઝેલેન્સ્કી આયર્લેન્ડની મુલાકાત લેશે જ્યારે યુક્રેનના રક્ષામંત્રી હાલ બ્રસેલ્સમાં યુરોપિયન નેતાઓ સાથે મંત્રણા કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ યુક્રેન અને તેના યુરોપિયન સાથી દેશો અમેરિકાની શાંતિ યોજનામાં કેટલાક ફેરફારો ઈચ્છે છે જેથી બંને પક્ષે સંતુલન જળવાઈ રહે. માર્કો રુબિયોના મતે ફ્લોરિડા બેઠક બાદ શાંતિની આશા જાગી છે પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

રશિયાના હુમલા યથાવત

એક તરફ શાંતિ માટે ટેબલ પર વાતો થઈ રહી છે તો બીજી તરફ યુદ્ધના મેદાનમાં રશિયન સેના સતત આગળ વધી રહી છે. રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે સોમવારે તેમણે ડોનેસ્ક પ્રાંતના વધુ કેટલાક યુક્રેનિયન વિસ્તારો કબજે કર્યા છે. પૂર્વી યુક્રેનના મહત્વના શહેર પોકરોવસ્ક પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે ભીષણ લડાઈ ચાલી રહી છે. આ ઉપરાંત નિપ્રો શહેર પર થયેલા રશિયન હવાઈ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now