Home Gujarat Tushar Ghelani Sai Cide Attempt Surat Citylight Mahavir Hospital

સુરતના જાણીતા બિલ્ડરનો આપધાતનો પ્રયત્ન : માથાના ભાગે મારી ગોળી, મહાવીર હોસ્પિટલમાં એડમિટ

સુરતના જાણીતા બિલ્ડરનો આપધાતનો પ્રયત્ન
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2026, 05:35 AM IST

સુરત શહેરના ઉમરા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના રાત્રીના લગભગ 2 વાગ્યાના અરસામાં તેમના પોતાના નિવાસસ્થાને બની હતી. તુષાર ઘેલાણીએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી માથાના ભાગે એક રાઉન્ડ ફાયર કર્યો હતો.

ગોળીનો જોરદાર અવાજ સાંભળતા જ ઘરમાં સુતા પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારજનોએ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં જોઈ તાત્કાલિક તેમને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને ડોક્ટરો દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે.

મહત્વની વાત એ છે કે તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન 5 ફેબ્રુઆરીના રોજ નક્કી થયેલા હતા. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી અને પરિવાર ખુશીના માહોલમાં હતો. આવી સ્થિતિમાં અચાનક બનેલી આ ઘટનાએ સમગ્ર પરિવારને માનસિક રીતે તોડી નાખ્યો છે.

હાલ તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તેની સ્પષ્ટ કારણો સામે આવ્યા નથી. પોલીસ દ્વારા આ બાબતને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે અને આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસ ચાલી રહ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે તેમજ રિવોલ્વર સહિતના મુદ્દામાલની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ ઘટના સુરતમાં ચર્ચાનો વિષય બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now