કર્ણાટકના બાગલકોટ નજીક રવિવાર 8 February 2026 ના રોજ રેડબર્ડ ફ્લાઈંગ ટ્રેનિંગ એકેડમી લિમિટેડના એક તાલીમી વિમાનનું ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા સેસના 172 વિમાનને સુરક્ષિત ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ ઈંધણની અછત અથવા યાંત્રિક ખામી આ અકસ્માત પાછળનું સંભવિત કારણ હોઈ શકે છે.
ખેતરમાં ફોર્સ્ડ લેન્ડિંગ અને પાયલોટનો બચાવ
આ વિમાન બેલગાવી એરપોર્ટથી અંદાજે 100 કિલોમીટર દૂર પૂર્વ દિશામાં ઉડી રહ્યું હતું ત્યારે અચાનક ખામી જણાઈ હતી. વિમાનના પાયલોટે સમયસૂચકતા વાપરીને બાગલકોટ પાસેના એક ખેતરમાં ફોર્સ્ડ લેન્ડિંગ કર્યું હતું. વિમાનનું રજીસ્ટ્રેશન નંબર VT-EUC છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વિમાન જમીન પર પટકાય તે પહેલા જ તેમાં સવાર આસિસ્ટન્ટ ફ્લાઈટ ઈન્સ્ટ્રક્ટર કેપ્ટન કુણાલ મલ્હોત્રા અને તાલીમી પાયલોટ ગૌતમ શંકર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા.
સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બંને પાયલોટને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી તેમને એમ્બ્યુલન્સ મારફતે વિજયપુરાની BLDE હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં બંનેની સ્થિતિ સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. બેલગાવી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના વિજયપુરા જિલ્લાના બાબલેશ્વર તાલુકાના મંગલુરુ ગામમાં બની હતી. આ પ્લેન કલબુર્ગીથી બેલગામ તરફ જઈ રહ્યું હતું ત્યારે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
એવિએશન સેક્ટરમાં સુધારાની તાતી જરૂરિયાત
છેલ્લા કેટલાક સમયથી દેશમાં વિમાનોમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પ્રકારની દુર્ઘટનાઓ ભારતીય એવિએશન સેક્ટરમાં મોટા પાયે સુધારાની જરૂરિયાત તરફ આંગળી ચીંધે છે. જો સુરક્ષાના ધોરણોમાં કડક સુધારો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી હોનારત થવાની સંભાવના નકારી શકાય તેમ નથી.




















