Trump Tariffs: અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વ્યાપક ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ, ટ્રમ્પે ભારત સાથેના વેપાર સોદા અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે "ભારત સાથેનો વેપાર સોદો ચાલુ રહેશે, કોઈ ફેરફાર નહીં" અને "કંઈ બદલાશે નહીં, તેઓ ટેરિફ ચૂકવશે".
વૈશ્વિક ટેરિફ લાદવાનો અધિકાર
સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતીથી નિર્ણય આપ્યો હતો કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ વૈશ્વિક ટેરિફ લાદવાનો અધિકાર ધરાવતા નથી. આ ચુકાદો ટ્રમ્પની આર્થિક નીતિને મોટો ઝટકો ગણાય છે. તેમ છતાં, વ્હાઇટ હાઉસ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે ભારત-અમેરિકા વેપાર સંબંધોને મજબૂત ગણાવ્યા. તેમણે કહ્યું, "ભારત સાથે અમારા સંબંધો ખૂબ સારા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક મહાન સજ્જન છે, ખરેખર મહાન માણસ છે."
ટ્રમ્પે ઉમેર્યું કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું છે, જે અમેરિકાની માંગને કારણે થયું છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને "ભયંકર" ગણાવીને તેનો અંત લાવવાની ઇચ્છા વ્યક્ત કરી.ભારત સાથેના સોદા વિશે વાત કરતાં ટ્રમ્પે કહ્યું: "કંઈ બદલાશે નહીં, તેઓ ટેરિફ ચૂકવશે અને અમે ટેરિફ ચૂકવીશું નહીં." તેમણે જણાવ્યું કે અગાઉ ભારત અમેરિકાને "લૂંટી" રહ્યું હતું, પરંતુ હવે સોદો "વાજબી" બન્યો છે.
ટ્રમ્પ નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર
સોદા અંતર્ગત અમેરિકા ભારતીય માલ પરના ટેરિફને 50%થી ઘટાડીને 18% કર્યા છે, જ્યારે ભારતે રશિયન તેલ ખરીદી બંધ કરવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના ચુકાદાના કલાકોમાં જ ટ્રમ્પે નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જે અન્વયે તમામ દેશોની આયાત પર 10% ગ્લોબલ ટેરિફ લાદવામાં આવશે. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે આ ટેરિફ તાત્કાલિક અસરકારક થશે (કેટલાક અપવાદો સાથે). ટ્રમ્પે પોતાના જૂના દાવાને પણ પુનરાવર્તિત કર્યો કે તેમણે ટેરિફના ધમકીથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું, જેમાં પરમાણુ યુદ્ધનો ભય હતો. આ ઘટનાક્રમથી વેપાર જગતમાં અનિશ્ચિતતા વધી છે, પરંતુ ભારત સાથેના સોદા પર ટ્રમ્પનું સ્પષ્ટ સંદેશ છે કે તે અડગ રહેશે.




















