બોલિવૂડ સુપરસ્ટાર જેકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ હાલમાં પોતાની લવ લાઈફને લઈને જોરદાર ચર્ચામાં છે. કૃષ્ણા શ્રોફ ભલે ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા અને ફિટનેસની દુનિયામાં તેનું મોટું નામ છે. હાલમાં તે 'ધ 50' નામના શોને કારણે લાઈમલાઈટમાં છે. આ શોમાં કૃષ્ણાએ તેની અને અફઘાનિસ્તાનના જાણીતા MMA ફાઈટર અબ્દુલ અઝીમ બદક્ષી (Abdul Azim Badakshi) વચ્ચેના સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી હતી. બંનેની મુલાકાતથી લઈને અલગ થતી વખતે આંખમાં આવેલા આંસુ સુધીની તમામ વિગતો કૃષ્ણાએ શેર કરી છે.
મુંબઈમાં થઈ હતી પહેલી મુલાકાત
કૃષ્ણાએ શોના સાથી સ્પર્ધક પ્રિન્સ નરુલા અને અન્ય ખેલાડીઓ સાથે વાત કરતા જણાવ્યું કે, તેનો બોયફ્રેન્ડ અફઘાનિસ્તાનનો છે અને એક પ્રોફેશનલ MMA ફાઈટર છે. કૃષ્ણાએ કહ્યું, "તેની મુંબઈમાં એક ફાઈટ હતી અને મેં તેને પહેલીવાર ત્યાં જોયો હતો. શરૂઆતમાં અમે રિલેશનશિપ વિશે કશું જ વિચાર્યું નહોતું, પરંતુ સમય જતાં અમારી વચ્ચે એક ખાસ કનેક્શન બની ગયું."
જ્યારે અલગ થતી વખતે બંને રડી પડ્યા...
પોતાની લવ સ્ટોરીનો સૌથી ઈમોશનલ કિસ્સો શેર કરતા કૃષ્ણાએ જણાવ્યું કે, મુંબઈ પછી તેઓ ગોવામાં મળ્યા હતા. ત્યાં બે અઠવાડિયા સાથે વિતાવ્યા બાદ જ્યારે છૂટા પડવાનો સમય આવ્યો, ત્યારે બંનેની આંખો ભરાઈ આવી હતી. કૃષ્ણાએ ઉમેર્યું, "જ્યારે અમે એકબીજાને 'બાય' કહી રહ્યા હતા, ત્યારે અમે બંને રડી પડ્યા હતા. ત્યારે જ અમને અહેસાસ થયો કે અમે એકબીજા માટે કેટલા મહત્વના છીએ."
ધર્મની દીવાલ પણ ન બની શકી નડતર
કૃષ્ણા શ્રોફ હિન્દુ છે અને તેનો બોયફ્રેન્ડ અબ્દુલ અઝીમ મુસ્લિમ છે, પરંતુ પ્રેમની આ સફરમાં ધર્મ ક્યારેય વચ્ચે આવ્યો નથી. કૃષ્ણાએ સાબિત કરી દીધું છે કે સાચો પ્રેમ કોઈ સીમા કે ધર્મને માનતો નથી. શો દરમિયાન બોયફ્રેન્ડ વિશે વાત કરતી વખતે કૃષ્ણાના ચહેરા પર સ્પષ્ટપણે શરમ અને ખુશી જોવા મળી હતી.
શ્રોફ પરિવારની મળી મંજૂરી?
મહત્વની વાત એ છે કે, કૃષ્ણા ઘણીવાર અબ્દુલ સાથેના રોમેન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. અબ્દુલનું બોન્ડ જેકી શ્રોફ અને ટાઈગર શ્રોફ સાથે પણ ઘણું સારું હોવાનું જાણવા મળ્યું છે. આ જોતા એવું લાગે છે કે શ્રોફ પરિવારે આ સંબંધને લીલી ઝંડી આપી દીધી છે. હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ જોડી લગ્નના બંધનમાં બંધાય છે.




















