Ahmedabad School Threatening Matters : અમદાવાદ શહેરની અનેક ખાનગી શાળાઓને ધમકીભર્યા ઈ-મેલ મોકલવામાં આવતા શહેરમાં ભારે ચિંતા અને ચકચાર ફેલાઈ હતી. આ ગંભીર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ સેલમાં સત્તાવાર રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શાળાઓની સુરક્ષા અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ સેલના પીએસઆઈ પી.એ. હિરપરા પોતે ફરિયાદી બન્યા છે. તેમની ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સોએ ખોટી ઓળખ ઉભી કરીને અલગ-અલગ ઈ-મેલ આઈડીનો ઉપયોગ કરી શાળાઓને ધમકીભર્યા મેલ મોકલ્યા હતા.
આ ત્રણ યુઝર આઈ ડી પરથી મેઈલ કરવામાં આવ્યા
ફરિયાદમાં ત્રણ અજાણ્યા ઈસમોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. પ્રથમ આરોપી તરીકે “મુનરો ક્વિકેલ” નામ દર્શાવવામાં આવ્યું છે, જેણે [email protected]
ઈ-મેલ આઈડીનો ઉપયોગ કર્યો હતો. બીજા આરોપી તરીકે “મેઝી લોબ્સચર” નામનો ઉલ્લેખ છે, જેણે [email protected]
ઈ-મેલ આઈડી દ્વારા મેલ મોકલ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્રીજા આરોપી તરીકે “સંતોષ જી” નામ દર્શાવવામાં આવ્યું છે, જેણે [email protected]
ઈ-મેલ આઈડીનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જણાવ્યું છે કે આ તમામ નામો ખોટી ઓળખ સાથે ઉપયોગમાં લેવાયા હોવાની શંકા છે.
આ સ્કૂલોને મળી હતી ધમકી
આ ધમકીભર્યા ઈ-મેલ અમદાવાદની અનેક જાણીતી શાળાઓને મોકલવામાં આવ્યા હતા. જેમાં ઝેબ્રા સ્કૂલ, ઝાયડસ સ્કૂલ, ડી.એ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ (બોડકદેવ), રિવરસાઈડ સ્કૂલ (એરપોર્ટ રોડ), જે.જી. ઈન્ટરનેશનલ સ્કૂલ (સોલા રોડ), વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ (ઇસનપુર), શ્રી નારાયણ સેન્ટ્રલ સ્કૂલ (સેટેલાઈટ), એશિયા ઈંગ્લિશ સ્કૂલ, પોદાર સ્કૂલ, પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ (બોડકદેવ), નિર્માણ સ્કૂલ (વસ્ત્રાપુર), સંતકબીર સ્કૂલ (ડ્રાઈવ-ઇન રોડ), એકલવ્ય સ્કૂલ (સરખેજ), શેઠ સી.એન. વિદ્યાવિહાર (અંબાવાડી), અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ (ચાંદખેડા) સહિતની શાળાઓનો સમાવેશ થાય છે.
ઈ-મેલ આઈડીમાંથી મોકલવામાં આવ્યા હતા
ફરિયાદ મુજબ મોટા ભાગના ઈ-મેલ [email protected], [email protected] અને [email protected] જેવી ઈ-મેલ આઈડીમાંથી મોકલવામાં આવ્યા હતા. અલગ-અલગ શાળાના પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ, એડમિશન વિભાગ અને ઓફિશિયલ ઈ-મેલ આઈડી પર આ ધમકીભર્યા સંદેશાઓ પહોંચ્યા હતા. સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ ઈ-મેલના ટેકનિકલ વિશ્લેષણ સાથે આઈપી એડ્રેસ, સર્વર વિગતો અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે Munro Quickel, Mazie Laubscher અને Santos G જેવા નામોનો ઉપયોગ કરીને ખોટી ઓળખ ઉભી કરી ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા છે. શહેરની શાળાઓની સુરક્ષા વધારવામાં આવી છે અને વાલીઓ તથા શાળા સંચાલકોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સાયબર ક્રાઈમ સેલનું કહેવું છે કે આવા પ્રકારની ધમકી ગંભીર ગુનો છે અને આરોપીઓને ઝડપી પકડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.





















