Home Gujarat This Special Application Will Monitor The Work Of Traffic Police

ટ્રાફિક પોલીસની કામગીરી પર નજર રાખશે આ ખાસ 'એપ્લિકેશન' : પંચ ઈન-આઉટ સાથે લોકેશન શેર કરવું પડશે, 1 જાન્યુઆરીથી એપ અમલમાં

ટ્રાફિક પોલીસની કામગીરી પર નજર રાખશે આ ખાસ 'એપ્લિકેશન'
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 02:30 PM IST

Ahmedabad Traffic Police : અમદાવાદ શહેરમાં હવે ટ્રાફિક કોન્સ્ટેબલથી લઈને PI સુધી કોઈ પણ પોલીસકર્મી ડ્યુટીમાં કામચોરી કરી શકશે નહીં. પોલીસકર્મીઓની હાજરી અને ફરજમાં પારદર્શિતા લાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી PRAMAN (Police Roll-call And MANagement System) એપ્લિકેશનનો અમલ 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. આ એપ્લિકેશન દ્વારા પોલીસકર્મીઓને પંચ ઇન અને પંચ આઉટ સમયે લોકેશન સાથે હાજરી નોંધાવવી ફરજિયાત રહેશે.

ટ્રાફિક પોલીસ માટે ડિજિટલ હાજરી અને ડ્યુટી મેનેજમેન્ટ સિસ્ટમ

PRAMAN એ અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે વિકસાવવામાં આવેલું સુરક્ષિત ડિજિટલ હાજરી અને ડ્યુટી મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં સિંગલ લોગિન મિકેનિઝમ રાખવામાં આવ્યો છે, જેના કારણે દરેક પોલીસકર્મી માત્ર એક જ અધિકૃત ડિવાઇસ પરથી લોગિન કરી શકશે. એકથી વધુ ડિવાઇસ પરથી લોગિન કરીને હાજરી નોંધાવવાની સુવિધા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હાજરી રિયલ-ટાઇમ GPS વૅલિડેશન સાથે લેવામાં આવશે

એપ્લિકેશનમાં ફેક અથવા મૉક GPSનો ઉપયોગ સંપૂર્ણપણે રોકવામાં આવ્યો છે, જેથી પોલીસકર્મી માત્ર વાસ્તવિક ફરજ સ્થળ પરથી જ હાજરી નોંધાવી શકે. હાજરી રિયલ-ટાઇમ GPS વૅલિડેશન સાથે લેવામાં આવશે, જેથી કર્મચારી સાચે જ ફરજ સ્થળ પર હાજર છે કે નહીં તેની ચોક્કસ ખાતરી થઈ શકે. ટ્રાફિક પોલીસકર્મીઓ ફક્ત તેમને ફાળવવામાં આવેલી શિફ્ટ અને નિર્ધારિત ચેકપોઈન્ટ પરથી જ ચેક-ઇન અને ચેક-આઉટ કરી શકશે. આ સિસ્ટમ માટે અધિકારીઓને વેબ આધારિત એડમિન પોર્ટલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેના દ્વારા ડિવિઝન, ચેકપોઈન્ટ, કર્મચારી માહિતી અને ડ્યુટી શિડ્યુલનું સરળતાથી મેનેજમેન્ટ કરી શકાશે. સાથે સાથે દૈનિક અને માસિક શિફ્ટ ફાળવણી તેમજ હાજરીની વાસ્તવિક-સમય રિપોર્ટિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. PRAMAN એપના અમલથી હવે મેન્યુઅલ રોલ-કોલ અને પેપર રજિસ્ટરની પ્રક્રિયા સંપૂર્ણપણે દૂર થઈ જશે.

પોલીસકર્મીઓની કામગીરી પર 'PRAMAN'ની રહેશે 'નજર'

PRAMAN એપ્લિકેશનનો વિકાસ અમદાવાદ શહેરના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે અને હવે તેને અધિકૃત રીતે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. અમદાવાદમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને અગાઉ તત્કાલીન ડીસીપી સફીન હસન દ્વારા આ એપ્લિકેશન પર કામ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. 1 જાન્યુઆરીથી કોન્સ્ટેબલથી લઈને પી.આઈ. સુધીના તમામ ટ્રાફિક પોલીસ અધિકારીઓનું પંચ ઇન અને પંચ આઉટ આ એપ્લિકેશન મારફતે કરવામાં આવશે, જેના કારણે ડ્યુટીમાં શિસ્ત અને જવાબદારી વધુ મજબૂત બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now