Home Gujarat Thief Caught In Chhota Udepur And Given Taliban Punishment

છોટા ઉદેપુરમાં ચોરને અર્ધનગ્ન કરીને આપી તાલીબાની સજા! : માથાના અડધા વાળ અને મૂંછ કાપી વરઘોડો કાઢ્યો, પોલીસ કાર્યવાહીથી દૂર રહી?

છોટા ઉદેપુરમાં ચોરને અર્ધનગ્ન કરીને આપી તાલીબાની સજા!
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 02:07 PM IST

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં કાયદો હાથમાં લેતી ભીડનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જેને લોકો “ન્યાય નહીં, નગ્ન અપમાન” તરીકે ઓળખાવી રહ્યા છે. બાઈક ચોરીના આરોપમાં પકડાયેલા એક શખ્સને સ્થાનિક લોકોએ અર્ધનગ્ન કરીને, તેના વાળ અને મૂંછ કાપી, ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. જોકે આશ્ચર્યજનક રીતે, આ બનાવમાં બાઈક માલિક તેમજ આરોપી ચોર બન્નેએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાથી આખરે પોલીસ કોઈ કાર્યવાહી કરી શકી નથી.

ચોરને પકડીને આપી તાલીબાની સજા

આ ઘટના આજે વહેલી સવારે બની હતી. ડુંગરગામના રહેવાસી જીતેશ રાઠવા પોતાની બાઈક લઈને કવાંટ શાક માર્કેટમાં આવ્યા હતા અને ત્યાં બાઈક પાર્ક કરી હતી. થોડા સમય બાદ એક અજાણ્યો શખ્સ તેમની બાઈક ચોરી કરીને ફરાર થતો હોવાનું જીતેશની નજરે પડ્યું હતું. તરત જ જીતેશે પોતાના મિત્રની મદદથી બીજી બાઈક પર ચોરનો પીછો શરૂ કર્યો હતો. જીતેશ અને તેના મિત્રએ બૈડીયા ગામ સુધી ચોરનો પીછો કર્યો અને ભારે મહેનત બાદ ચોરને બાઈક સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ ચોરને કવાંટ પરત લાવવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા.

માથાના અડધા વાળ અને મૂંછ કાપી વરઘોડો કાઢ્યો!

ગુસ્સે ભરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઈ પકડાયેલા ચોરને અર્ધનગ્ન કર્યો, તેના માથાના અડધા વાળ અને મૂંછ કાપી નાખ્યા અને હાર પહેરાવી ગામમાં જાહેર વરઘોડો કાઢ્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો મોબાઈલમાં કેદ થઈ ગયા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બનાવ અંગે બાઈક માલિક જીતેશ રાઠવાએ જણાવ્યું હતું કે, પોતાની ચોરાયેલી બાઈક પરત મળી જતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું છે. બીજી તરફ, ચોરને જાહેરમાં અપમાનિત કરવા અને તાલિબાની સજા આપવા બાબતે પણ ચોર તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

પોલીસે શું કહ્યું?

આ મામલે કવાંટ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર. પટેલે જણાવ્યું હતું કે, બાઈક ચોરી બાદ માલિકે ચોરનો પીછો કરી તેને પકડી લીધો હતો. ફરિયાદ અંગે પૂછતાં બાઈક માલિક તેમજ ચોર બન્નેએ ફરિયાદ કરવાની ના પાડી હતી, જેના કારણે પોલીસ કાયદેસર કાર્યવાહી કરી શકી નહોતી અને બંનેને છોડવા પડ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now