Maruti Suzuki Brezza : ભારતીય રસ્તાઓ પર રાજ કરનારી મારુતિ સુઝુકી બ્રેઝા હવે નવા લુકમાં આવવા માટે તૈયાર છે. વર્ષ 2022 માં લોન્ચ થયેલી બીજી જનરેશનની બ્રેઝાને હવે 2026 માં મોટું અપડેટ મળવા જઈ રહ્યું છે. ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલા મોડલ્સ અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ નવી SUV માં એવા ફેરફારો કરવામાં આવ્યા છે જે તેને તેના હરીફો કરતા વધુ મજબૂત બનાવશે. જાણો આ નવી બ્રેઝામાં ક્યાં 5 મોટા ફેરફારો જોવા મળી શકે છે.
નવો આકર્ષક લુક
નવી બ્રેઝાના મૂળ ડિઝાઇનમાં બહુ ફેરફાર નહીં હોય, પરંતુ તેનો આગળ અને પાછળનો ભાગ એકદમ ફ્રેશ લાગશે. આમાં નવા આકારના બમ્પર અને વધુ બોલ્ડ દેખાતી ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવશે. જોકે, અન્ય કારની જેમ આમાં કનેક્ટેડ ટેલ લેમ્પ્સ (પાછળની લાઈટો) જોવા નહીં મળે, પણ હેડલાઇટ અને ટેલલાઇટની ડિઝાઇનમાં નાના ફેરફારો ચોક્કસ જોવા મળશે.
હાઇ-ટેક ઈન્ટિરિયર અને મોટી સ્ક્રીન
કારની અંદર પગ મૂકતા જ તમને નવો અહેસાસ થશે. આ વખતે મારુતિ તેમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી શકે છે. જેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સુવિધા હશે. આ ઉપરાંત, વાયરલેસ ચાર્જિંગ, હેડ-અપ ડિસ્પ્લે, ક્રુઝ કંટ્રોલ અને સનરૂફ જેવા પ્રીમિયમ ફીચર્સ પણ આ SUV ની શાન વધારશે.
ગરમીમાં રાહત આપતી વેન્ટિલેટેડ સીટ્સ
બ્રેઝાના ચાહકો લાંબા સમયથી આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. હવે 2026 ના મોડલમાં આગળની સીટો વેન્ટિલેટેડ હોઈ શકે છે, જે લાંબી મુસાફરીમાં અને ઉનાળાની ગરમીમાં મુસાફરોને વધુ આરામ આપશે. ટાટા નેક્સન અને હ્યુન્ડાઇ વેન્યુ જેવા હરીફો સામે ટકી રહેવા માટે આ એક મહત્વનું પગલું છે.
એન્જિનમાં નવા વિકલ્પો
એન્જિનની વાત કરીએ તો, તેમાં ભરોસાપાત્ર 1.5-લિટર પેટ્રોલ એન્જિન ચાલુ રહેશે. પરંતુ ખાસ વાત એ છે કે હવે તેમાં 5-સ્પીડ મેન્યુઅલની સાથે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળી શકે છે. એવી પણ ચર્ચા છે કે મારુતિ આમાં ફ્રોન્ક્સ (Fronx) વાળું 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ આપી શકે છે, જે પાવર પ્રેમીઓને ગમશે.
CNG માં મળશે વધુ જગ્યા
આ સૌથી મોટો ફેરફાર હોઈ શકે છે. અત્યાર સુધી CNG કારમાં ગેસ સિલિન્ડરને કારણે સામાન રાખવાની જગ્યા (બૂટ સ્પેસ) ઓછી મળતી હતી. પરંતુ નવી બ્રેઝામાં ટાંકીને નીચેના ભાગમાં (Underbody) શિફ્ટ કરવામાં આવી શકે છે. આનાથી CNG વેરિઅન્ટમાં પણ તમને પેટ્રોલ કાર જેટલી જ સારી બૂટ સ્પેસ મળશે.




















