Home Entertainment The Lion King Fame Actress Death Imani Dia Smith Died After Being Stabbed To Death By Her Boyfriend

'The Lion King'ની બાળ કલાકારની બોયફ્રેન્ડે કરી ક્રૂર હત્યા : છરીના ઘા મારીને ઇમાની ડાયા સ્મિથને મોતને ઘાટ ઉતારી, જાણો કેવી રીતે હત્યારા સુધી પહોંચી પોલીસ

'The Lion King'ની બાળ કલાકારની બોયફ્રેન્ડે કરી ક્રૂર હત્યા
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 10:14 AM IST

The Lion King Fame Actress Death: ડિઝનીના વિશ્વપ્રસિદ્ધ બ્રોડવે મ્યુઝિકલ 'ધ લાયન કિંગ'માં બાળપણમાં યંગ નાલાનો કિરદાર ભજવીને લોકોના દિલ જીતનાર અભિનેત્રી ઇમાની ડાયા સ્મિથનું દુ:ખદ અવસાન થયું છે. માત્ર 25 વર્ષની ઉંમરે તેમના જીવનનો અચાનક અંત આવ્યો છે, જેની પાછળનું કારણ ઘરેલુ હિંસાનો એક ભયાનક કિસ્સો છે. અમેરિકાના ન્યુ જર્સીમાં તેમના ઘરે છરીના ઘા કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ માત્ર તેમના પરિવારને જ નહીં, પરંતુ આખા થિયેટર અને એન્ટરટેઇનમેન્ટ જગતને હચમચાવી દીધું છે.

મળતી માહિતી અનુસાર, 2011-2012માં બ્રોડવે પર યંગ નાલાના રોલથી પ્રસિદ્ધિ મેળવનાર ઇમાની એક ટ્રિપલ થ્રેટ પર્ફોર્મર હતી. ગાયક(સિંગર), ડાન્સર અને અભિનેત્રી તરીકે કામ કરી ચુકેલી યંગ નાલાના અવસાનથી તેમનો ત્રણ વર્ષનો નાનો દીકરો, માતા-પિતા અને બે નાના ભાઈ-બહેન અનાથ થયા છે. પોલીસે તેમના બોયફ્રેન્ડને આરોપી તરીકે ઝડપી પાડ્યો છે, જેનાથી આ કેસમાં ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

હત્યાની ઘટના કેવી બની?

21 ડિસેમ્બરના રોજ ન્યુ જર્સીના એડિસનમાં ઇમાનીના ઘરે છરીના ઘા લાગેલી હાલતમાં તેમને મળી આવ્યાં હતાં. 911 પર મળેલી કૉલ પછી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને તેમને રોબર્ટ વુડ જૉન્સન યુનિવર્સિટી હૉસ્પિટલમાં લઈ જવાયાં, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં. મિડલસેક્સ કાઉન્ટી પ્રોસિક્યુટર ઑફિસના જણાવ્યા અનુસાર, આ કોઈ અજાણ્યા વ્યક્તિની હિંસા નહોતી, પરંતુ ઇમાની અને આરોપી એકબીજાને પહેલેથી ઓળખતા હતા.

બોયફ્રેન્ડની ધરપકડ અને આરોપો

પોલીસે ઇમાનીના બોયફ્રેન્ડ જૉર્ડન ડી. જેક્સન-સ્મૉલ (ઉંમર 35)ને ધરપકડ કરી છે. તેમની ધરપકડ વિના કોઈ અડચણે થઈ હતી. તેમના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર, સેકન્ડ-ડિગ્રીમાં બાળકની સુરક્ષા જોખમમાં મૂકવા, થર્ડ-ડિગ્રીમાં ગેરકાયદેસર હથિયાર રાખવા અને ફોર્થ-ડિગ્રીમાં હથિયારના ગેરકાયદેસર ઉપયોગ જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. પ્રોસિક્યુટર ઑફિસે સ્પષ્ટ કર્યું કે આ ઘટના રેન્ડમ હિંસા નહોતી.

આંટીની પોસ્ટથી થઈ દિલદ્રાવક યાદ

ઇમાનીની આંટી કીરા હેલ્પરે ગોફન્ડમી પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, જૉર્ડન તેમનો બોયફ્રેન્ડ હતો. તેમણે વધુમાં લખ્યું હતું કે, "ઇમાનીની સામે આખું જીવન પડ્યું હતું. તે જીવંત, પ્રેમાળ અને અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિ હતી. તે ટ્રિપલ થ્રેટ પર્ફોર્મર હતી અને ડિઝનીના 'ધ લાયન કિંગ'માં યંગ નાલાનો રોલ ભજવીને તેણે વિશ્વમાં આનંદ, સર્જનાત્મકતા અને પ્રકાશ ફેલાવ્યો હતો." ગોફન્ડમી પર પરિવાર માટે મદદ માંગવામાં આવી છે, જેમાં અંતિમ અંતિમ સંસ્કાર, ટ્રોમા થેરાપી અને તેમના નાના દીકરાની સંભાળ માટે ભંડોળ એકઠું કરવામાં આવી રહ્યું છે.

ઇમાનીનો પરિવાર અને વારસો

ઇમાની પોતાની પાછળ ત્રણ વર્ષનો દીકરો, માતા-પિતા (મોનિક રેન્સ-હેલ્પર અને રૉની હેલ્પર) તેમજ બે નાના ભાઈ-બહેન છોડી ગયાં છે. તેમના માતા બ્રોડવે અને ટીવી-ફિલ્મ પ્રોડક્શનમાં હેરડ્રેસર તરીકે કામ કરે છે. ઇમાનીનું અવસાન માત્ર એક પરિવારનું દુ:ખ નથી, પરંતુ ઘરેલુ હિંસાના વધતા કેસો પર પણ પ્રશ્ન ઉભા કરે છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજને વિચારવા મજબૂર કર્યો છે કે પ્રતિભાશાળી જીવન કેટલું અનિશ્ચિત હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now