Tata Motors : ટાટા મોટર્સે ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાની લોકપ્રિય હેચબેક કાર ટિયાગો અને Tiago EV નું નવું 2026 મોડલ લોન્ચ કરી દીધું છે. કંપનીએ નવી ટાટા ટિયાગોની પ્રારંભિક કિંમત 4.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખી છે. જ્યારે આ કારના ઇલેક્ટ્રિક વર્ઝનની કિંમત 6.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય ગ્રાહકો BaaS (બેટરી એઝ અ સર્વિસ) ઓપ્શન સાથે Tiago EV ને માત્ર 4.69 લાખ રૂપિયામાં ખરીદી શકશે, જેમાં બેટરી માટે 2.6 રૂપિયા પ્રતિ કિલોમીટરનો ચાર્જ ચૂકવવો પડશે. આ કારનું સીએનજી (iCNG) વર્ઝન 5.79 લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ નવું મોડલ માર્કેટમાં મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios જેવી કારને જોરદાર ટક્કર આપશે.
આકર્ષક અને નવો લુક
નવી ટાટા Tiago ની ડિઝાઇનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ કારમાં હવે આઇબ્રો-સ્ટાઇલ DRL સાથે નવી LED હેડલેમ્પ આપવામાં આવી છે, જે કારને ખૂબ જ શાર્પ અને પ્રીમિયમ લુક આપે છે. કારની આગળની બાજુ મધ્યમાં બ્લેક પેનલ અને નવું બમ્પર લગાવવામાં આવ્યું છે. સાઇડ પ્રોફાઇલ જૂના મોડલ જેવી જ છે, પરંતુ તેમાં નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સ જોવા મળશે. કારની પાછળના ભાગમાં ઊભી રેખાઓવાળી કનેક્ટેડ LED ટેલલાઇટ્સ અને ટાટાનો નવો લોગો આપવામાં આવ્યો છે. બીજી તરફ, Tiago EV માં બ્લેક પેનલના બદલે બોડી કલરની પેનલ અને ખાસ એરોડાયનેમિક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે જે તેની ઇલેક્ટ્રિક ઓળખ દર્શાવે છે.
આધુનિક અને પ્રીમિયમ ઇન્ટિરિયર
કારની અંદરના ભાગને પણ ખૂબ જ સુંદર રીતે અપડેટ કરવામાં આવ્યો છે. કારમાં બ્લેક અને લાઇટ ગ્રે કલરની થીમ જાળવી રાખવામાં આવી છે, પરંતુ ડેશબોર્ડને નવો સીધો લેઆઉટ આપવામાં આવ્યો છે. ડ્રાઇવર માટે નવું સ્ટેન્ડઅલોન ડિસ્પ્લે અને મધ્યમાં પ્રકાશીત ટાટા લોગો વાળું નવું 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ જોવા મળે છે. કારમાં હવે 10.25-ઇંચની મોટી ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે. ક્લાઇમેટ કંટ્રોલ પેનલને નવો લુક આપવામાં આવ્યો છે, જેમાં રોટરી નોબ્સ અને સ્વીચો ખૂબ જ પ્રીમિયમ લાગે છે.
6 લાખથી ઓછી કિંમતમાં મળતી ટ્વિન સિલિન્ડર CNG કારો!: માઇલેજ, બૂટ સ્પેસ અને ફીચર્સથી મધ્યમ વર્ગને મોટો ફાયદો
એડવાન્સ અને હાઇટેક ફીચર્સ
2026 ટાટા ટિયાગો ફીચર્સની બાબતમાં ખૂબ જ પાવરફુલ બની ગઈ છે. આ કારમાં હવે ડ્યુઅલ વાયરલેસ ચાર્જર, 360-ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ-સ્પોટ મોનિટર, પાછળની સીટ માટે એસી વેન્ટ્સ, ક્રુઝ કંટ્રોલ અને ઓટો હેડલેમ્પ્સ જેવા શાનદાર ફીચર્સ સામેલ કરાયા છે. આ કાર ગ્લોબલ એનસીએપી (GNCAP) તરફથી 4-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવે છે. સુરક્ષા માટે કારમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને હિલ-હોલ્ડ કંટ્રોલ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક મોડલમાં ઓટો ડેમિસ્ટ અને હાઇ-બીમ એલર્ટ જેવા વધારાના ફીચર્સ પણ મળે છે.
દમદાર પેટ્રોલ અને CNG એન્જિન
એન્જિનની વાત કરીએ તો આ કારમાં 1.2-લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 86hp નો પાવર અને 113Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ કારમાં ડ્યુઅલ-સિલિન્ડર ટેકનોલોજી સાથે સીએનજી (CNG) નો ઓપ્શન પણ છે, જે 75hp નો પાવર અને 96Nm નો ટોર્ક આપે છે. આ બંને મોડલ 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) ગિયરબોક્સ સાથે આવે છે. આ સેગમેન્ટમાં પહેલીવાર કોઈ સીએનજી કારમાં AMT ગિયરબોક્સ આપવામાં આવ્યું છે
લાંબી રેન્જ અને ફાસ્ટ ચાર્જિંગ
ટાટા ટિયાગો EV ગ્રાહકો માટે બે બેટરી પેક ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમાં 19.2kWh અને 24kWh ની બેટરી સામેલ છે. કંપનીના દાવા મુજબ આ કાર સિંગલ ચાર્જ પર 205 કિલોમીટરથી 215 કિલોમીટર સુધીની વાસ્તવિક રેન્જ આપે છે, જ્યારે તેની MIDC રેન્જ 28abs કિલોમીટર સુધીની છે. આ કાર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને માત્ર 18 મિનિટના ચાર્જિંગમાં 100 કિલોમીટર સુધીની રેન્જ મેળવી શકાય છે. કારને ચાર્જ કરવા માટે 3.3kW પોર્ટેબલ ચાર્જર, 7.2kW હોમ ચાર્જર અને 30kW DC ફાસ્ટ ચાર્જરનો ઓપ્શન મળે છે.





