Tata Punch EV : Tata Motors 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV, Tata Punch EV Facelift લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવી પંચ EV માં વધુ આકર્ષક ડિઝાઇન, સુધારેલા ફીચર્સ અને લાંબી રેન્જ હશે. કંપનીનો હેતુ એવા ગ્રાહકોને લક્ષ્ય બનાવવાનો છે, જે ઓછી કિંમતે સ્ટાઇલિશ અને વિશ્વસનીય ઇલેક્ટ્રિક કાર ઇચ્છે છે. એવું માનવામાં આવે છે કે, લોન્ચ થયા પછી આ કાર EV સેગમેન્ટમાં મજબૂત સ્થાન મેળવી શકે છે.
ડિઝાઇન અને લુકમાં શું નવું છે?
Tata Punch EV Facelift ની ડિઝાઇનમાં ઘણા નોંધપાત્ર ફેરફારો થવાની અપેક્ષા છે. તેના આગળના ભાગને થોડો ફરીથી ડિઝાઇન કરવામાં આવશે, જેમાં ક્લોઝ્ડ-ઓફ ગ્રિલ, કનેક્ટેડ LED DRL અને નવા એલોય વ્હીલ્સનો સમાવેશ થવાની સંભાવના છે. આગળના અને પાછળના બમ્પરને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવશે, જે SUV ને વધુ આધુનિક અને પ્રીમિયમ લુક આપશે. આ ફેરફારો હાલમાં લોન્ચ થયેલા Punch ICE Facelift થી ઇન્સપાયર હોવાનું કહેવાય છે. લાંબી રેન્જના વેરિઅન્ટમાં ઓલ-ફોર ડિસ્ક બ્રેક્સ પણ મળી શકે છે.
ફીચર્સ અને સેફટી
નવી ટાટા પંચ EV ફેસલિફ્ટમાં 12.3 ઇંચની મોટી, ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હોવાની અપેક્ષા છે. તેમાં પેનોરેમિક સનરૂફ અને સબવૂફર સાથે પ્રીમિયમ હરમન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ હોવાની પણ અપેક્ષા છે. આ EV પહેલા કરતાં વધુ ટેકનોલોજીકલ રીતે અદ્યતન હશે. સેફટીની દ્રષ્ટિએ, તેમાં લેવલ-2 ADAS ફીચર જેવી કે, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, લેન-કીપ આસિસ્ટ અને એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ હોવાની શક્યતા છે. 6 એરબેગ્સ અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ પણ યથાવત રહેવાની અપેક્ષા છે.
બેટરી અને રેન્જમાં સુધારો
હાલની પંચ EV 25kWh અને 35kWh બેટરી ઓપ્શન સાથે આવે છે. ફેસલિફ્ટ મોડલમાં 35kWh બેટરીને 40.5kWh બેટરીથી બદલી શકાય છે. રિપોર્ટ્સ અનુસાર, નવી પંચ EV એક જ ચાર્જ પર 500 કિલોમીટર સુધીની રેન્જ ઓફર કરી શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
કિંમત શું હોઈ શકે?
હાલમાં, ટાટા પંચ EV ની કિંમત ₹9.99 લાખ થી ₹14.44 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે. નવી ફીચર્સ અને મોટી બેટરીને કારણે ફેસલિફ્ટેડ મોડલની કિંમતમાં થોડો વધારો થવાની ધારણા છે. એવો અંદાજ છે કે, ટોપ-સ્પેક વેરિઅન્ટની કિંમત લગભગ ₹15 લાખ હોઈ શકે છે.




















