Home International Tamil Nadu Woman Commits Suicide After Losing Money In Online Game Tenkasi News

ઑનલાઈન ગેમ રમતા રમતા ગુમાવ્યા 63 હજાર રૂપિયા : 26 વર્ષની યુવતીએ ભર્યું અંતિમ પગલું

ઑનલાઈન ગેમ રમતા રમતા ગુમાવ્યા 63 હજાર રૂપિયા
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 03:30 PM IST

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઈન્ટરનેટનું વળગણ અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. તમિલનાડુના તેનકાસી જિલ્લામાં આવી જ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે જ્યાં ઓનલાઈન ગેમની લતે એક 26 વર્ષીય યુવતીનો જીવ લીધો છે. ગેમ રમવાના નાદમાં હજારો રૂપિયા ગુમાવ્યા બાદ આર્થિક નુકસાનના આઘાત અને તણાવમાં આવીને પરિણીતાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેનકાસી જિલ્લાના શિવગીરી વિસ્તારમાં આંબેડકર થેરૂ ખાતે રહેતા પ્રકાશના લગ્ન 4 વર્ષ પહેલા પોન આનંદી સાથે થયા હતા. આ દંપતીએ લવ મેરેજ કર્યા હતા અને તેમને સંતાનમાં 2 વર્ષની એક દીકરી પુગાઝિની છે. પ્રકાશ કોયમ્બતૂર ખાતે એક પ્રાઈવેટ કંપનીમાં વેન ડ્રાઈવર તરીકે નોકરી કરે છે જ્યારે તેની પત્ની આનંદી એક હોસ્પિટલમાં કામ કરતી હતી. પતિ બહારગામ રહેતો હોવાથી આનંદી કામ પર જતા સમયે બાળકીને પિયરમાં માતાપિતા પાસે મૂકી આવતી હતી.

ગત 3 ડિસેમ્બરના રોજ આનંદી પિયરથી પરત ફરી હતી. ત્યારબાદ 4 ડિસેમ્બરની સવારે તેના સાસુ સેલ્વી વહુને મળવા ઘરે આવ્યા હતા. લાંબા સમય સુધી દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિક્રિયા ન મળતા તેમણે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલ્યું હતું. રૂમમાં પ્રવેશતા જ સાસુના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણ કે આનંદી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહી હતી. તેમના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી ત્યારે રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં મૃતકે પોતાના મોત માટે કોઈને પણ જવાબદાર ગણાવ્યા નથી. તેણે લખ્યું હતું કે તે ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગઈ હોવાથી તેને શું કરવું તે સમજાતું નથી અને એટલે તે આ અંતિમ પગલું ભરી રહી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આનંદીને મોબાઈલ પર ઓનલાઈન ગેમ રમવાની લત લાગી ગઈ હતી. તેણે થોડા થોડા કરીને અંદાજે 63,000 રૂપિયા ગુમાવી દીધા હતા. મોટી રકમ હાથમાંથી જતી રહેતા તે સતત મેન્ટલ સ્ટ્રેસમાં રહેતી હતી અને છેવટે તેણે મોતને વહાલું કરી લીધું હતું. આ બનાવને પગલે શિવગીરી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now