Home National Tamil Nadu Firecracker Factory Blast 23 Deaths Gujarati

તમિલનાડુની ફટાક્ડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ : 16 મહિલાઓ સહિત 23 શ્રમિકોના મૃત્યુ, જાણો કેવી રીતે લાગી આગ?

Tamil Nadu blast news
Published by: Vishal Dave
Last Updated: Apr 19, 2026, 05:26 PM IST

તમિલનાડુમાં ચૂંટણી પહેલા જ ભારે દુઃખદ ઘટના સામે આવી છે. વિરુધનગર જિલ્લાના એક ફટાક્ડા ફેક્ટરીમાં થયેલા ડબલ વિસ્ફોટે ભારે જાનહાનિ સર્જી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ફેક્ટરી સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

તમિલનાડુમાં એક ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને ઝંઝોડીને રાખી દીધું છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લોના કત્તનરપટ્ટી વિસ્તારમાં આવેલી ફટાક્ડા ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટે ઓછામાં ઓછા 23 મજૂરોના જીવ લીધા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં 16 મહિલાઓનો સમાવેશ થાય છે, જે ઘટના વધુ કરુણ બનાવે છે. આ ઘટના રવિવાર, 19 એપ્રિલ 2026ના રોજ બની હતી, જ્યારે ફેક્ટરીમાં સામાન્ય રીતે કામ ચાલી રહ્યું હતું. અચાનક લાગેલી આગ બાદ થયેલા વિસ્ફોટે આખી ફેક્ટરીને ખંડેરમાં ફેરવી દીધી.

બચાવ કામગીરી દરમ્યાન થયો બીજો વિસ્ફોટ

પ્રાથમિક માહિતી મુજબ, જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં આશરે 30 મજૂરો હાજર હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઇમારતના કેટલાક ભાગ તૂટી પડ્યા અને ત્યારબાદ લાગેલી આગે આખી ફેક્ટરીને આગની લપેટમાં લઈ લીધી. વિશેષ ચિંતાજનક બાબત એ છે કે બચાવ કામગીરી દરમ્યાન પણ બીજો વિસ્ફોટ થયો, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. જિલ્લા કલેક્ટર ડૉ. એન.ઓ. સુખપુત્રએ જણાવ્યું કે આ ઘટના દરમિયાન પોલીસ, ફાયર ટીમ અને બચાવકર્મીઓ સહિત આશરે 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમનો હાલમાં સારવાર ચાલી રહી છે.

મૃત્યુઆંક વધવાની આશંકા

પોલીસ અધિકારીઓ મુજબ, અત્યાર સુધીમાં 19 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે, પરંતુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમાંથી કેટલાક ICUમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું ફેક્ટરીઓમાં સુરક્ષા નિયમોનું પાલન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં.

મુખ્યમંત્રીનો શોક અને તાત્કાલિક પગલાં

આ ઘટના બાદ એમ.કે. સ્ટાલિનએ ઊંડું શોક વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને સંવેદના પાઠવી અને જિલ્લા પ્રશાસનને તાત્કાલિક મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. મુખમંત્રી દ્વારા મંત્રીઓ કે.કે.એસ.એસ.આર. રામચંદ્રન અને થંગમ તેન્નારાસુને ઘટનાસ્થળે મોકલી રાહત અને બચાવ કામગીરીની દેખરેખ રાખવા કહેવામાં આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ પોસ્ટ કરીને આ દુર્ઘટનાને “અત્યંત દુઃખદ” ગણાવી હતી અને કહ્યું હતું કે તમામ જરૂરી મદદ સુનિશ્ચિત કરવામાં આવશે.

તપાસ શરૂ, જવાબદારી નક્કી થશે

જિલ્લા પ્રશાસને આ ઘટનાને લઈને FIR નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે. એક સિનિયર IAS અધિકારીને સમગ્ર રાહત અને બચાવ કામગીરીની દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવ્યો છે. તપાસમાં ફેક્ટરીમાં સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ વિસ્ફોટના કારણો શું હતા તે જાણવા પ્રયત્ન કરવામાં આવશે.

એક દિવસ પહેલા પણ થયો હતો મોટો અકસ્માત

તમિલનાડુમાં આ સતત બીજા દિવસે મોટી દુર્ઘટના બની છે. એક દિવસ પહેલા, 18 એપ્રિલે, વાલપરાઈ વિસ્તારમાં એક ટૂરિસ્ટ વાન ખાઈમાં પડતાં 9 લોકોના મોત થયા હતા. આ બંને ઘટનાઓએ રાજ્યમાં સુરક્ષા અને ઇમરજન્સી મેનેજમેન્ટ પર ગંભીર ચર્ચા શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now