T20 World Cup : 2026 ના T20 વર્લ્ડ કપમાં એક એવો ઉલટફેર જોવા મળ્યો છે, જેની કલ્પના કદાચ કોઈએ કરી નહોતી. શ્રીલંકાના પલ્લેકેલે મેદાન પર કુદરતની રમત એવી ચાલી કે, મેદાનમાં ઉતર્યા વગર જ ઝિમ્બાબ્વેની ટીમ સુપર 8 માં પહોંચી ગઈ છે. બીજી તરફ, વિશ્વ ક્રિકેટની દિગ્ગજ ગણાતી અને 2021 ની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ માટે આ સમાચાર કોઈ દુઃસ્વપ્નથી ઓછા નથી, કારણ કે, ઓસ્ટ્રેલિયાની ટીમ T20 World Cup માંથી ઓફિશિયલ રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા છે.
કુદરતનો કેર અને રદ થયેલી મેચ
શ્રીલંકાના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે મહત્વની મેચ રમાવાની હતી. જોકે, સવારથી જ શરૂ થયેલા મુશળધાર વરસાદે વિરામ લીધો નહોતો. અમ્પાયરોએ લગભગ અઢી કલાક સુધી રાહ જોઈ, પરંતુ મેદાન રમવા લાયક ન જણાતા આખરે ટોસ થયા વિના જ મેચ રદ કરવાની જાહેરાત કરવામાં આવી. આ એક નિર્ણયે પોઇન્ટ્સ ટેબલમાં હલચલ મચાવી દીધી.
ઓસ્ટ્રેલિયાની આશાઓ પર ફરી વળ્યું પાણી
ઓસ્ટ્રેલિયન ટીમ આશા રાખીને બેઠી હતી કે, જો આયર્લેન્ડની ટીમ ઝિમ્બાબ્વેને હરાવી દે, તો તેમની સુપર 8 ની આશાઓ જીવંત રહે. મિશેલ માર્શની કેપ્ટનશીપ હેઠળની કાંગારૂ ટીમ માટે આ વરસાદ આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થયો. 2009 પછી આ પહેલીવાર બન્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં જ બહાર થઈ હોય.
ઝિમ્બાબ્વેની ઐતિહાસિક અને પરીકથા જેવી સફર
સિકંદર રઝાની આગેવાનીમાં ઝિમ્બાબ્વેએ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓએ માત્ર નસીબના જોરે નહીં, પણ પોતાની સ્ટ્રેન્થથી અહીં સુધી આવ્યું છે. ઓસ્ટ્રેલિયા જેવી ટીમને 23 રનથી હરાવીને તેમણે પહેલા જ સાબિત કરી દીધું હતું કે, તેઓ આ વખતે કંઈક નવું કરવાના ઈરાદાથી આવ્યા છે. મેચ રદ થતા મળેલા 1 પોઈન્ટ સાથે ઝિમ્બાબ્વે હવે 5 પોઈન્ટ ધરાવે છે, જે તેમને સુપર 8 માં લઈ જવા માટે પૂરતા છે.
પોઈન્ટ ટેબલનું ગણિત અને સમીકરણ
ગણિતની રીતે જોઈએ તો, ઝિમ્બાબ્વે પાસે હવે 5 પોઈન્ટ છે, જ્યારે આયર્લેન્ડ પાસે 3 પોઈન્ટ. ઓસ્ટ્રેલિયા પાસે હાલ માત્ર 2 જ પોઈન્ટ છે. હવે જો ઓસ્ટ્રેલિયા તેની છેલ્લી મેચ ઓમાન સામે જીતી પણ લે, તો પણ તેના કુલ 4 પોઈન્ટ જ થશે, જે ઝિમ્બાબ્વેના 5 પોઈન્ટ કરતા ઓછા છે. આમ, મેદાન પરની હાર કરતા પોઇન્ટ્સ ટેબલના ગણિત અને વરસાદે ઓસ્ટ્રેલિયાને ઘરે મોકલી દીધું છે.
સુપર 8 ની રેસ અને આગામી ટક્કર
ઝિમ્બાબ્વે હવે સુપર 8 માં ક્વોલિફાય થનારી સાતમી ટીમ બની ગઈ છે. ભારત, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ જેવી ટીમો પહેલેથી જ ત્યાં સ્થાન બનાવી ચૂકી છે. હવે માત્ર એક જ સ્થાન બાકી છે, જેના માટે પાકિસ્તાન અને યુએસએ વચ્ચે ટક્કર જોવા મળશે. ઝિમ્બાબ્વે હવે આત્મવિશ્વાસ સાથે 19 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે ટકરાશે.




















