T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. ટૂર્નામેન્ટના બારમાં દિવસે આજે એટલે કે, 18 ફેબ્રુઆરીએ ત્રણ મહત્વની મેચો રમાવાની છે, જે સુપર 8 ના સમીકરણો નક્કી કરશે. અત્યાર સુધી 33 મેચો પૂર્ણ થઈ ગઈ છે અને 21 ફેબ્રુઆરીથી સુપર 8 ના જંગ શરૂ થશે. ભારતીય ટીમ હાલમાં ગ્રુપમાં ટોપ પર છે, જ્યારે પાકિસ્તાન માટે આજની મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે. જો પાકિસ્તાન આજે ભૂલ કરશે તો USA સુપર 8 માટે ક્વોલિફાય થઈ જશે.
મેચ 34 : સાઉથ આફ્રિકા vs UAE (દિલ્હી)
એડન માર્કરામની આગેવાની હેઠળ સાઉથ આફ્રિકાની ટીમ અત્યારે ફોર્મમાં છે. સતત 3 મેચ જીતીને આ ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. બીજી તરફ, મુહમ્મદ વસીમની UAE ટીમ 3 માંથી માત્ર 1 મેચ જીતી શકી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાની ટીમ પોતાની વિજયી લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે, જ્યારે UAE મોટો અપસેટ કરવાની આશા રાખશે.
મેચ 35 : પાકિસ્તાન vs નામિબિયા (કોલંબો)
પાકિસ્તાન માટે આ મેચ 'કરો યા મરો' સમાન છે. સલમાન આઘાની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાન હાલમાં -0.403 ના NRR સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. જો તેઓ નામિબિયા સામે હારી જશે, તો USA (+0.788 NRR) સીધું સુપર 8 માં પહોંચી જશે. ગેરહાર્ડ ઇરાસ્મસની નામિબિયા ટીમ ટેબલમાં સૌથી નીચે હોવા છતાં પાકિસ્તાનનું કામ બગાડવાની ક્ષમતા ધરાવે છે.
મેચ 36 : ભારત vs નેધરલેન્ડ્સ (અમદાવાદ)
ટીમ ઈન્ડિયા આજે પોતાના ઘરઆંગણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે ટકરાશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતે 3 માંથી 3 મેચ જીતીને +3.050 ના શાનદાર NRR સાથે ટોપ પર સ્થાન જમાવ્યું છે. સ્કોટ એડવર્ડ્સની નેધરલેન્ડ ટીમ માટે આ કપરો પડકાર હશે, કારણ કે અમદાવાદના લાખો પ્રેક્ષકો વચ્ચે ભારતીય ટીમને હરાવવી મુશ્કેલ છે.




















