T20 World Cup : ICC T20 વર્લ્ડ કપ 2026 હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનપદે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં અત્યારે સુપર-8 સ્ટેજની જંગ ચાલી રહી છે. ટુર્નામેન્ટની કુલ 55 મેચોમાંથી 45 રમાઈ ગઈ છે અને આજે 46 મી મેચમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ટક્કર થશે. બંને ટીમો માટે આ મેચ સેમીફાઇનલના સમીકરણો માટે ખૂબ જ મહત્વની સાબિત થવાની છે.
શ્રીલંકા માટે અસ્તિત્વની લડાઈ
શ્રીલંકાએ સુપર-8 ની તેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 147 રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની આખી ટીમ માત્ર 95 રનમાં ખખડી ગઈ હતી, જેના કારણે તેમનો નેટ રન રેટ (NRR) -2.550 થઈ ગયો છે. જો આજે શ્રીલંકાની ટીમ હારશે તો સેમીફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ જશે. ઘરઆંગણે રમી રહેલી દાસુન શનાકાની ટીમે આજે બેટિંગમાં ખાસ સુધારો કરવાની જરૂર છે.
ન્યુઝીલેન્ડની ટીમને મળ્યો લાંબો આરામ
બીજી તરફ, ન્યુઝીલેન્ડની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હતી જે વરસાદને કારણે રદ થઈ હતી. આ કારણે ન્યુઝીલેન્ડને એક પોઈન્ટ તો મળ્યો જ, પણ સાથે જ એક સપ્તાહનો લાંબો આરામ પણ મળ્યો છે. કેપ્ટન મિચેલ સેન્ટનરની આગેવાનીમાં કીવી ટીમ હવે પુરા જોશ સાથે મેદાન પર ઉતરશે. ફિલિપ્સ અને મિચેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનો કોલંબોના મેદાનમાં ધમાલ મચાવવા તૈયાર છે.
કોલંબોની પિચ અને વાતાવરણ
આર. પ્રેમદાસા સ્ટેડિયમની પિચ હંમેશા સ્પિનરો માટે મદદગાર રહી છે. અહીંની બાઉન્ડ્રી વિશાળ હોવાથી બેટ્સમેનો માટે સિક્સર ફટકારવી પડકારજનક રહેશે. શ્રીલંકાના સ્પિનરો આ પિચનો ફાયદો ઉઠાવવા માટે જાણીતા છે, પરંતુ ન્યુઝીલેન્ડ પાસે પણ સેન્ટનર જેવો અનુભવી સ્પિનર છે. હવામાન વિભાગ અનુસાર, આજે કોલંબોમાં વરસાદની શક્યતા નથી, જે ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે.



















