T20 World Cup : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં એક એવી ઘટના બની જેની કોઈએ કલ્પના કરી નહોતી. ટીમ ઈન્ડિયાનો યુવા અને વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો, ત્યારે તેની પીઠ પર 'અભિષેક' નહીં પણ 'મોહમ્મદ સિરાજ' લખેલું હતું. ચાહકો મુંઝવણમાં હતા કે, શું સિરાજ બેટિંગ કરવા આવ્યો છે? પણ વાસ્તવમાં આ પાછળ એક મોટું કારણ હતું.
કેમ સિરાજની જર્સી પહેરવી પડી?
મેચની શરૂઆતમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઓપનિંગમાં આવતા અભિષેક શર્માને મેદાનમાં ઉતરવામાં થોડું મોડું થયું હતું. કોમેન્ટેટર્સ નાસીર હુસૈન અને સુનીલ ગાવસ્કરે ખુલાસો કર્યો કે, અભિષેક પોતાની જર્સી હોટલના રૂમમાં જ ભૂલી ગયો હતો! ઉતાવળમાં તેને પહેલા અર્શદીપ સિંહની કીટ પહેરવાનો પ્રયાસ કર્યો, પણ અંતે તે મોહમ્મદ સિરાજની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.
નસીબ બદલવાનો પ્રયાસ?
સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે એવી પણ ચર્ચા હતી કે, અભિષેકે જાણીજોઈને જર્સી બદલી હતી. અગાઉ USA અને પાકિસ્તાન સામેની મેચમાં તે શૂન્ય રને આઉટ થયો હોવાથી, કેટલાક લોકોનું માનવું હતું કે, 'બેડ લક' દૂર કરવા માટે તેને સાથી ખેલાડીની જર્સી પહેરી હતી. જોકે, આ પ્રયત્ન તેના માટે સફળ રહ્યો નહીં.
ફરી એકવાર શૂન્ય પર આઉટ
સિરાજની 73 નંબરની જર્સી પહેરીને આવેલા અભિષેક પાસેથી ફેન્સને મોટી આશા હતી, પરંતુ નેધરલેન્ડ્સના ઓફ-સ્પિનર આર્યન દત્તે તેને ટકવા દીધો નહીં. આર્યન દત્તે ચાલાકીથી બોલિંગ કરી અને અભિષેક શર્મા પર પ્રેશર બનાવ્યું અને અભિષેક શર્મા ત્રીજા જ બોલ પર એક શૉટ મારવાના પ્રયાસમાં અભિષેક ક્લીન બોલ્ડ થઈ ગયો. આમ, નવી જર્સી પણ તેને રન અપાવવામાં નિષ્ફળ રહી.
પાકિસ્તાન જેવો જ પ્લાન
નેધરલેન્ડ્સના બોલરોએ અભિષેકને આઉટ કરવા માટે પાકિસ્તાન જેવી જ રણનીતિ અપનાવી હતી. પાકિસ્તાનના કોચ માઈક હેસને અગાઉ જણાવ્યું હતું કે, તેઓએ અભિષેકની નબળાઈ પર કલાકો સુધી કામ કર્યું છે. આર્યન દત્તે પણ તે જ રીતે સ્લાઈડર બોલ ફેંકીને અભિષેકને ભૂલ કરવા મજબૂર કર્યો અને તેની વિકેટ ઝડપી લીધી.
વર્લ્ડ કપનો શરમજનક રેકોર્ડ
આ મેચ આઉટ થવાની સાથે જ અભિષેક શર્માના નામે એક એવો રેકોર્ડ નોંધાયો જે કોઈ બેટ્સમેન નથી ઈચ્છતો. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત ત્રણ મેચમાં શૂન્ય (0) પર આઉટ થનારો તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ ત્રણ મેચમાં તે હજુ સુધી રનનું ખાતું પણ ખોલાવી શક્યો નથી, જે ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે.




















