T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે ફુલ ફોર્મમાં જોવા મળી રહી છે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈટાલીને 42 રને હરાવીને પોતાની વિજયકૂચ જાળવી રાખી છે. આ મેચ માત્ર ટીમની જીત માટે જ નહીં, પરંતુ ફાસ્ટ બોલર શમાર જોસેફના એવા રેકોર્ડ માટે યાદ રાખવામાં આવશે જે અત્યાર સુધી પુરુષ કે મહિલા ક્રિકેટમાં કોઈ પણ ખેલાડી બનાવી શક્યું નથી.
ઈટાલી સામે વેસ્ટ ઈન્ડિઝનો વિજય
કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી આ મેચમાં ઈટાલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત નબળી રહી હતી અને માત્ર 31 રનમાં 2 વિકેટ પડી ગઈ હતી. જોકે, ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ મેચ સંભાળી લીધી હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 165 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઈટાલીની ટીમ 123 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
કેપ્ટન શાઈ હોપની વિસ્ફોટક બેટિંગ
મુશ્કેલ સમયે મેદાનમાં આવેલા કેપ્ટન શાઈ હોપે જવાબદારીપૂર્વક બેટિંગ કરી હતી. કેપ્ટનએ રોસ્ટન ચેઝ (24 રન) સાથે મળીને 64 રનની મહત્વની પાર્ટનરશીપ નોંધાવી હતી. હોપે માત્ર 46 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 75 રનની આક્રમક ઈનિંગ રમી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. અંતિમ ઓવરોમાં શેરફેન રધરફોર્ડે 24 (નોટઆઉટ) અને મેથ્યુ ફોર્ડે 16 (નોટઆઉટ) રન ઉમેરી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
શમાર જોસેફનો અનોખો 'વર્લ્ડ રેકોર્ડ'
આ મેચના અસલી હીરો ફાસ્ટ બોલર શમાર જોસેફ રહ્યા. તેમણે 4 ઓવરમાં 30 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે, બોલિંગની સાથે ફિલ્ડિંગમાં પણ તેમણે કમાલ કરી અને 4 શાનદાર કેચ પકડ્યા. ક્રિકેટના ઈતિહાસમાં (પુરુષ કે મહિલા) શમાર જોસેફ હવે એવા એકમાત્ર ખેલાડી બની ગયા છે, જેમણે એક જ T20 મેચમાં 4 વિકેટ અને 4 કેચ ઝડપવાની સિદ્ધિ મેળવી હોય.
સુપર-8 માં ભારત સાથે ટક્કર
વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. હવે અસલી જંગ સુપર-8 માં જોવા મળશે, જ્યાં વેસ્ટ ઈન્ડિઝનો સામનો ભારત, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે જેવી મજબૂત ટીમો સાથે થશે. વિન્ડીઝની ટીમ પોતાની પહેલી સુપર-8 મેચ 23 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે રમશે. ફેન્સને આશા છે કે, ટીમ આ ફોર્મ જાળવી રાખી સેમીફાઇનલમાં જગ્યા બનાવશે.




















