T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સુપર-8 સ્ટેજમાં પહોંચી ગયો છે. ગ્રુપ-1 અને ગ્રુપ-2 ની ટીમો વચ્ચે સેમીફાઇનલની રેસ માટે જબરદસ્ત ખેંચતાણ ચાલી રહી છે. અત્યાર સુધી રમાયેલી મેચોએ પોઈન્ટ ટેબલના સમીકરણો બદલી નાખ્યા છે. આજે ગ્રુપ-2 માં બે પૂર્વ ચેમ્પિયન ટીમો, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન પલ્લેકેલેના મેદાનમાં આમને-સામને ટકરાશે, જ્યાં હાર-જીત બંને ટીમોનું ભવિષ્ય નક્કી કરશે.
આજની મેચનો પ્રિવ્યૂ : ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન
આજે સાંજે 7:00 વાગ્યે કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં હેરી બ્રુકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ અને સલમાન આગાની કેપ્ટન્સીમાં પાકિસ્તાન મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડ પાસે ફિલ સોલ્ટ અને વિલ જેક્સ જેવા આક્રમક બેટ્સમેનો છે, જ્યારે પાકિસ્તાનની તાકાત તેમના સ્પિનરો ઉસ્માન તારીક, મોહમ્મદ નવાઝ અને શાદાબ ખાન છે.
પિચ અને પરિસ્થિતિ
પલ્લેકેલેની પિચ પર પ્રથમ બેટિંગ કરનારનો એવરેજ સ્કોર 165-170 રન રહે છે. જોકે, રાત્રિના સમયે ઝાકળ (Dew) મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જેનાથી બીજી બેટિંગ કરનાર ટીમને 60% જેટલો ફાયદો થવાની શક્યતા છે. પાકિસ્તાનનો મધ્યમ ક્રમ ચિંતાનો વિષય છે, જ્યારે ઈંગ્લેન્ડનું બેટિંગ લાઈનઅપ ઘણું ઊંડું છે.
ગઈકાલ સુધીના મેચ પર એક નજર
ભારત vs સાઉથ આફ્રિકા (ગ્રુપ 1)
ગ્રુપ 1 ની હાઇ-વોલ્ટેજ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું હતું. આ મોટી હારને કારણે ભારતનો નેટ રન રેટ (NRR) ઘટીને -3.800 થઈ ગયો છે, જે ચિંતાનો વિષય છે. બીજી તરફ સાઉથ આફ્રિકા +3.800 ના શાનદાર રન રેટ સાથે મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.
વેસ્ટ ઈન્ડિઝ vs ઝિમ્બાબ્વે (ગ્રુપ 1)
વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચમાં રનનો વરસાદ થયો હતો. કેરેબિયન ટીમે પ્રથમ બેટિંગ કરતાં 254 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ઝિમ્બાબ્વે માત્ર 147 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ +5.350 ના રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.
ઈંગ્લેન્ડ vs શ્રીલંકા (ગ્રુપ 2)
ઈંગ્લેન્ડની ટીમે સુપર-8 ની શરૂઆત ધમાકેદાર વિજય સાથે કરી છે. શ્રીલંકા સામેની મેચમાં ઈંગ્લેન્ડના 146 રનના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ માત્ર 95 રનમાં ધરાશાયી થઈ ગઈ હતી. આ જીતથી ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ મેળવીને ગ્રુપ-2 માં ટોપના સ્થાને બિરાજમાન છે અને તેમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે.
પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ (ગ્રુપ 2)
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. વરસાદને કારણે મેચ રદ કરવી પડી હતી, જેના પરિણામે બંને ટીમોને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. હવે પાકિસ્તાન માટે આજની મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે, કારણ કે, વધુ એક પોઈન્ટ ગુમાવવો તેમને રેસમાંથી બહાર કરી શકે છે.



















