logo-img
T20 World Cup Team India Reaches Ahmedabad After Defeating Pakistan

T20 World Cup; પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી! : ફેન્સે એરપોર્ટ પર 'હાર્દિક-સૂર્યા' ના નામથી કર્યું ભવ્ય સ્વાગત!

T20 World Cup; પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી!
Published by: Offbeat Team
| Last Updated: Feb 16, 2026, 01:24 PM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં કટ્ટર હરીફ પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ છે. સતત ત્રણ જીત સાથે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયા બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે ટકરાશે. આ મેચ માટે શહેરમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે અને ખેલાડીઓના સ્વાગત માટે એરપોર્ટ પર ચાહકોની ભીડ ઉમટી પડી હતી.

અમદાવાદમાં ભવ્ય સ્વાગત

પાકિસ્તાન સામેની ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયા જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ત્યારે માહોલ જોવા જેવો હતો. એરપોર્ટ પર હજારો ફેન્સ ઉમટી પડ્યા હતા અને 'હાર્દિક-સૂર્યા'ના નામની બૂમો પાડીને ખેલાડીઓને વધાવી લીધા હતા. ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી ટીમ બસ મારફતે સીધી વસ્ત્રાપુર સ્થિત ITC નર્મદા હોટલ પર પહોંચી હતી, જ્યાં તેઓ રોકાણ કરશે.

ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન

આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી અજેય રહ્યું છે. ભારતે પોતાની શરૂઆતી ત્રણેય મેચોમાં અમેરિકા (USA), નામીબિયા અને પાકિસ્તાનને હરાવીને સુપર-8 માં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ગ્રુપ-A માંથી સુપર-8 માં પહોંચનારી ભારત પ્રથમ અને ટૂર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પહોંચનારી બીજી ટીમ બની છે. હવે 18 ફેબ્રુઆરીએ રમાનારી નેધરલેન્ડ્સ સામેની મેચ માત્ર ઔપચારિકતા છે, કારણ કે તેના પરિણામથી ભારતની સુપર-8 પોઝિશન પર કોઈ ફરક પડશે નહીં.

મેચનો સમય અને સ્થળ

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેની આ મેચ 18 ફેબ્રુઆરી, બુધવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. દુનિયાના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની હોવાથી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું રહેવાની પૂરી શક્યતા છે. નેધરલેન્ડ્સ ભલે નાની ટીમ હોય, પરંતુ પાકિસ્તાન સામે તેમણે છેલ્લી ઓવર સુધી લડત આપી હતી, તેથી મેચ રોમાંચક બની શકે છે.

પ્લેઈંગ-11 માં ફેરફારની શક્યતા

ટીમ ઈન્ડિયા પહેલેથી જ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ચૂકી હોવાથી, કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચમાં પ્રયોગો કરી શકે છે. ટીમના મુખ્ય ખેલાડીઓને આરામ આપીને બેંચ સ્ટ્રેન્થ અજમાવવામાં આવે તેવી શક્યતા છે. જે ખેલાડીઓને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં રમવાનો મોકો નથી મળ્યો, તેમને આ મેચમાં તક મળી શકે છે.

સુપર-8 નું ગણિત અને 'ગ્રુપ ઓફ ડેથ'

આગળના રાઉન્ડ એટલે કે સુપર-8 માં ભારતને 'ગ્રુપ X' માં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપને 'ગ્રુપ ઓફ ડેથ' કહેવામાં આવી રહ્યું છે કારણ કે, તેમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમો સામેલ કરવામાં આવી શકે છે. શેડ્યૂલ મુજબ, સુપર-8 માં ભારતની પહેલી મેચ 22 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં જ રમાય તેવી શક્યતા છે.

હેડ-ટૂ-હેડ રેકોર્ડ

જો આપણે રેકોર્ડ્સ પર નજર કરીએ તો નેધરલેન્ડ્સ સામે ભારતનું પલડું હંમેશા ભારે રહ્યું છે. વનડે વર્લ્ડ કપમાં ભારત અને નેધરલેન્ડ્સ ત્રણ વાર આમને-સામને આવ્યા છે (2003, 2011 અને 2023) અને ત્રણેય વખત ભારતે મોટી જીત મેળવી છે. ખાસ કરીને 2023 માં ભારતે 160 રનના મોટા અંતરથી નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. T20 ફોર્મેટમાં પણ ટીમ ઈન્ડિયા આ વિજયી સિલસિલો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now