T20 World Cup : ટી20 વર્લ્ડ કપ 2026 ના સહ-યજમાન શ્રીલંકા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના મુખ્ય હથિયાર ગણાતા મિસ્ટ્રી સ્પિનર વાનિન્દુ હસરંગા ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. વર્લ્ડ કપની શરૂઆતમાં જ આટલા મોટા ખેલાડીનું બહાર થવું એ શ્રીલંકાના અભિયાન માટે મોટો ફટકો માનવામાં આવે છે.
કેવી રીતે થઈ ઈજા?
કોલંબોમાં આયર્લેન્ડ સામે રમાયેલી પ્રથમ મેચ દરમિયાન હસરંગાને હેમસ્ટ્રિંગ (સ્નાયુ) માં ઈજા થઈ હતી. સોમવારે કરવામાં આવેલા એમઆરઆઈ (MRI) સ્કેનમાં જાણવા મળ્યું કે, તેમની ડાબી હેમસ્ટ્રિંગમાં ગંભીર ઈજા છે. યુકેના નિષ્ણાત ડોક્ટરો દ્વારા રિપોર્ટની તપાસ કર્યા બાદ તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, જેના કારણે તેઓ હવે બાકીની મેચો રમી શકશે નહીં.
ઈજા છતાં બતાવ્યો જુસ્સો
નોંધનીય છે કે, આયર્લેન્ડ સામેની મેચમાં ઈજા થઈ હોવા છતાં હસરંગાએ મેદાન છોડ્યું ન હતું. તેમણે પોતાની 4 ઓવરનો સ્પેલ પૂરો કર્યો અને માત્ર 25 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. તેમના આ શાનદાર પ્રદર્શનને કારણે જ શ્રીલંકાએ આ મેચ 20 રનથી જીતી લીધી હતી, પરંતુ આ જીત ટીમને મોંઘી પડી છે.
કોણ લેશે હસરંગાની જગ્યા?
રિપોર્ટ મુજબ, હસરંગાના સ્થાને લેગ-સ્પિનર ઓલરાઉન્ડર દુષણ હેમંથાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. 31 વર્ષીય હેમંથા પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ ઓછો છે, તેમણે અત્યાર સુધી 3 T20 માં 4 વિકેટ લીધી છે. જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમનો રેકોર્ડ સારો છે. તેમણે 82 T20 મેચોમાં 895 રન બનાવ્યા છે અને 82 વિકેટ પણ ઝડપી છે. હવે જોવાનું એ રહેશે કે, તે હસરંગાની ખોટ પૂરી કરી શકે છે કે નહીં.
શ્રીલંકાની ટીમનું હવે પછીનું શિડ્યુલ
શ્રીલંકાની ટીમ ગ્રુપ-B માં સામેલ છે અને તેઓએ એક જીત સાથે સારી શરૂઆત કરી છે. હવે તેમની આગામી મેચો નીચે મુજબ છે:
12 ફેબ્રુઆરી : ઓમાન સામે (પલ્લેકેલે)
16 ફેબ્રુઆરી : ઓસ્ટ્રેલિયા સામે (પલ્લેકેલે)
19 ફેબ્રુઆરી : ઝિમ્બાબ્વે સામે (આર. પ્રેમદાસા સ્ટેડિયમ)
હાલની શ્રીલંકાની ટીમ (સ્ક્વોડ)
દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, કામિલ મિશ્રા, કુસલ મેન્ડિસ, કામિન્દુ મેન્ડિસ, કુસલ જેનિથ પરેરા, ચારિથ અસલંકા, જેનિથ લિયાનાગે, પવન રત્નાનાયકે, દુનિથ વેલાલાગે, મહેશ થેક્ષાના, દુષ્મંથા ચમીરા, મથીશા પાથિરાના, ઈશાન મલિંગા.




















