T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાન ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા સુપર-8 સ્ટેજ માટે ક્વોલિફાય કરી લીધું છે. કોલંબોમાં રમાયેલી મહત્વની મેચમાં પાકિસ્તાને નામિબિયાને 102 રનથી હરાવીને પોતાની તાકાત બતાવી છે. આ જીત સાથે પાકિસ્તાન સુપર-8 માં પહોંચનારી આઠમી અને અંતિમ ટીમ બની ગઈ છે, જ્યારે USA ની ટીમ સુપર-8 ની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
પાકિસ્તાનની શાનદાર બેટિંગ
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 199 રનનો વિશાળ સ્કોર ફટકાર્યો હતો. ટીમની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર સાહિબજાદા ફરહાને શાનદાર બેટિંગ કરતાં માત્ર 58 બોલમાં પોતાની સદી (100 રન) પૂરી કરી હતી. તેની આ ઇનિંગમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો.
મિડલ ઓર્ડરનું યોગદાન
ફરહાનની સદી ઉપરાંત, કેપ્ટન સલમાન આગાએ જવાબદારીપૂર્વક બેટિંગ કરતાં 38 રન બનાવ્યા હતા. ઇનિંગના અંતમાં શાદાબ ખાને વિસ્ફોટક ફિનિશિંગ જોવા મળી હતી. તેને માત્ર થોડા જ બોલમાં 36 રન ફટકાર્યા, જેમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા સામેલ હતા. આ ઇનિંગને કારણે પાકિસ્તાન 200 રનના લક્ષ્યાંક સુધી પહોંચવામાં સફળ રહ્યું.
નામિબિયાની બેટિંગનું ખરાબ પ્રદર્શન
200 રનના મોટા ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી નામિબિયાની ટીમ દબાણ સહન કરી શકી નહીં. લોરેન સ્ટીનકેમ્પ અને એલેક્ઝાન્ડર વોલ્શેન્ક સિવાય નામિબિયાનો કોઈ પણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો ન હતો. નામિબિયાની સ્થિતિ એટલી ખરાબ હતી કે, એક સમયે તેઓ 49 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, સૌથી મોટો કોલેપ્સ અંતમાં જોવા મળ્યો જ્યારે ટીમે તેની છેલ્લી 6 વિકેટ માત્ર 18 રનમાં ગુમાવી દીધી અને આખી ટીમ 97 રન પર ઓલઆઉટ થઈ ગઈ.
પાકિસ્તાનની બોલરોનું પ્રદર્શન
પાકિસ્તાનની આ જીતમાં બોલરોનો પણ મોટો ફાળો રહ્યો. ઉસ્માન તારિક પાકિસ્તાન તરફથી સૌથી સફળ બોલર રહ્યો, જેને શાનદાર સ્પેલ ફેંકીને 4 મહત્વની વિકેટો ઝડપી. ઓલરાઉન્ડર શાદાબ ખાને બેટિંગ બાદ બોલિંગમાં પણ કમાલ કર્યો અને 3 વિકેટ ઝડપી. મોહમ્મદ નવાઝ અને સલમાન મિર્ઝાને પણ 1-1 સફળતા મળી હતી.
સુપર-8 ની આઠ ટીમો
આ જીત સાથે હવે સુપર-8 નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પાકિસ્તાન પહેલા ભારત, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા હતા. હવે પાકિસ્તાન આ લિસ્ટમાં જોડાનારી 8 મી ટીમ બની છે.




















