T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભમાં અત્યાર સુધી કુલ 21 મેચો રમાઈ ચુકી છે અને આજે ટુર્નામેન્ટનો આઠમો દિવસ એટલે કે, 14 ફેબ્રુઆરી 2026 છે. આજે ક્રિકેટ પ્રેમીઓ માટે 'સુપર સેટરડે' છે, કારણ કે આજે કુલ 3 મેચો રમાવાની છે. જેમાં સૌથી વધુ નજર 'ગ્રુપ ઓફ ડેથ' એટલે કે, ગ્રુપ D ની મેચ પર છે, જે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
મેચ 1 : આયર્લેન્ડ vs ઓમાન (જીતની શોધમાં બે ટીમો)
આજની પહેલી મેચ કોલંબોના SSC ગ્રાઉન્ડ પર રમાશે, જ્યાં આયર્લેન્ડ અને ઓમાન આમને-સામને હશે. આયર્લેન્ડ અત્યાર સુધી તેની બંને મેચો (શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે) હારી ચૂક્યું છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા સામે તેઓ માત્ર 115 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. બીજી તરફ, ઓમાન પણ ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે પરાજય મેળવીને સંઘર્ષ કરી રહ્યું છે. બંને ટીમો માટે આ મેચ ટુર્નામેન્ટમાં ટકી રહેવા અને જીતનું ખાતું ખોલાવવા માટે અત્યંત મહત્વની સાબિત થશે.
મેચ 2 : ઇંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ (પ્રતિષ્ઠાનો જંગ)
ઇડન ગાર્ડન્સ રમાનારી બીજી મેચમાં ઇંગ્લેન્ડનો મુકાબલો સ્કોટલેન્ડ સામે થશે. ઇંગ્લેન્ડની ટીમ નેપાળ સામે માંડ 4 રનથી જીતી હતી અને વેસ્ટ ઇન્ડિઝ સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ, સ્કોટલેન્ડે ઇટલી સામે 207 રન બનાવીને ઇતિહાસ રચ્યો છે અને તેઓ વર્લ્ડ કપમાં 200 રન ફટકારનાર પ્રથમ એસોસિયેટ ટીમ બની છે. હેરી બ્રુકની કેપ્ટન્સીમાં ઇંગ્લેન્ડ આ મેચ જીતીને લય પાછી મેળવવા પ્રયાસ કરશે, જ્યારે સ્કોટલેન્ડ મોટો ઉલટફેર કરવા તૈયાર છે.
મેચ 3 : ન્યુઝીલેન્ડ vs સાઉથ આફ્રિકા (અમદાવાદમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા)
આજની સૌથી મોટી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે 'ગ્રુપ ઓફ ડેથ' ની નિર્ણાયક મેચ છે. ન્યુઝીલેન્ડ અત્યાર સુધી અફઘાનિસ્તાન અને UAE ને હરાવીને શાનદાર ફોર્મમાં છે. જોકે, સાઉથ આફ્રિકાનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે, કારણ કે, તેઓ અફઘાનિસ્તાન સામેની છેલ્લી મેચ 'ડબલ સુપર ઓવર' માં જીતીને અહીં પહોંચ્યા છે. મિશેલ સેન્ટનરની કીવી બ્રિગેડ અને સાઉથ આફ્રિકાના દિગ્ગજો વચ્ચેનો આ મુકાબલો ટુર્નામેન્ટની સૌથી યાદગાર મેચ બની શકે છે.
મેચ નંબર | મુકાબલો | સમય | સ્ટેડિયમ | કેપ્ટન (ટીમ 1/ટીમ 2) |
|---|---|---|---|---|
22 | આયર્લેન્ડ vs ઓમાન | 11:00 AM | SSC, કોલંબો | Paul Stirling/Jatinder Singh |
23 | ઇંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ | 03:00 PM | Eden Gardens, કોલકાતા | Harry Brook/Richie Berrington |
24 | ન્યુઝીલેન્ડ vs સાઉથ આફ્રિકા | 07:00 PM | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ | Mitchell Santner/Aiden Markram |




















