T20 World Cup : ક્રિકેટના મેદાન પર જ્યારે ભારત અને પાકિસ્તાન સામ-સામે હોય છે, ત્યારે મેચનો રોમાંચ તેની ચરમસીમાએ હોય છે. હાલમાં જ રમાયેલી ભારત-પાકિસ્તાન હાઇ-વોલ્ટેજ મેચે ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યૂઅરશિપના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. જિયોહોટસ્ટાર પર આ મેચને અકલ્પનીય પ્રતિસાદ મળ્યો છે, જેણે દર્શાવ્યું છે કે, આજે પણ ફેન્સ માટે આ મુકાબલો દુનિયાની કોઈપણ ફાઇનલ મેચ કરતાં વધુ મહત્વનો છે.
ઐતિહાસિક વ્યૂઅરશિપ
જિયોસ્ટારના રિપોર્ટ અનુસાર, આ મેચને ડિજિટલ પ્લેટફોર્મ પર કુલ 16.3 કરોડ (163 મિલિયન) યુઝર્સે નિહાળી હતી. T20 ફોર્મેટમાં કોઈપણ ICC ઇવેન્ટ માટે આ અત્યાર સુધીની સૌથી વધુ 'રીચ' (Reach) છે. નવાઈની વાત એ છે કે, આ મેચે 2024 ના T20 વર્લ્ડ કપની ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઇનલ મેચના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
વોચ ટાઈમનો નવો કીર્તિમાન
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ માત્ર યુઝર્સની સંખ્યામાં જ નહીં, પણ સમયની દ્રષ્ટિએ પણ આગળ રહી છે. તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર આ મેચનો કુલ વોચ ટાઈમ 20 અબજ (20 Billion) મિનિટ નોંધાયો છે. પાછલી એડિશનની સરખામણીમાં આ વખતે વોચ ટાઈમમાં 42% જેટલો ધરખમ વધારો જોવા મળ્યો છે.
મોબાઈલ યુઝર્સમાં જબરદસ્ત વધારો
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ પર ક્રિકેટ જોનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ મેચ લીગ સ્ટેજની સૌથી વધુ જોવાયેલી મેચ બની ગઈ છે. 2024 માં રમાયેલી ભારત-પાક મેચની તુલનામાં આ વખતે ડિજિટલ રીચમાં 56% નો તોતિંગ વધારો થયો છે, જે સાબિત કરે છે કે, લોકો હવે ટીવી કરતા મોબાઈલ પર મેચ જોવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
મેદાન પર ભારતનો દબદબો
મેદાન પરના પ્રદર્શનની વાત કરીએ તો, ભારતે આ મેચમાં શાનદાર જીત મેળવી હતી. આ સાથે જ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ હવે 8-1 થઈ ગયો છે. આ જીત સાથે જ ભારતીય ટીમ સુપર-8 માં પહોંચી ગઈ છે અને હવે 21 ફેબ્રુઆરીથી શરૂ થનારા આગામી રાઉન્ડમાં પોતાનો ખિતાબને ડિફેન્ડ કરવા મેદાનમાં ઉતરશે.
નિષ્ણાતોનો મત
જિયોસ્ટારના સ્પોર્ટ્સ સેલ્સ હેડ અનુપ ગોવિંદને જણાવ્યું હતું કે, આ આંકડા દર્શકોના ક્રિકેટ પ્રત્યેના જબરદસ્ત જોડાણને દર્શાવે છે. તો બીજી તરફ, કન્ટેન્ટ હેડ સિદ્ધાર્થ શર્માએ આ રેકોર્ડને દેશના T20 વર્લ્ડ કપ પ્રત્યેના અતૂટ જુસ્સાનો પુરાવો ગણાવ્યો છે.




















