T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સુપર-8 સ્ટેજ તરફ આગળ વધી રહ્યો છે. આજે ટુર્નામેન્ટનો નવમો દિવસ છે અને ક્રિકેટ ચાહકો માટે રવિવારની રજા 'સુપર સન્ડે' બનવા જઈ રહી છે. અત્યાર સુધી 24 મેચો પૂર્ણ થઈ ચુકી છે અને ફેબ્રુઆરી 21 થી સુપર-8 સ્ટેજની શરૂઆત થશે. આજે કુલ 3 મેચો રમાવાની છે, પરંતુ સૌની નજર વિશ્વની સૌથી મોટી ક્રિકેટ રાઇવલરી – ભારત vs પાકિસ્તાન પર ટકેલી છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી આ મેચ ICC માટે કમાણી અને વ્યુઅરશિપના તમામ રેકોર્ડ તોડવા તૈયાર છે.
મેચ 1 : વેસ્ટ ઈન્ડિઝ vs નેપાળ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ)
ગ્રુપ C માં અત્યારે વેસ્ટ ઈન્ડિઝનો દબદબો જોવા મળી રહ્યો છે. શિમરોન હેટ્માયર અને શેરફેન રુથરફોર્ડની વિસ્ફોટક બેટિંગ તથા રોમારિયો શેફર્ડની હેટ્રિકના દમ પર વેસ્ટ વિન્ડિઝે અત્યાર સુધી રમાયેલી બંને મેચો જીતી છે. બીજી તરફ નેપાળ માટે આ સફર મુશ્કેલ રહી છે, ઇંગ્લેન્ડ સામે નજીવા અંતરે હાર્યા બાદ ઇટાલી સામે તેઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આજે મુંબઈના વાનખેડેમાં નેપાળ પોતાની પ્રથમ જીતની શોધમાં ઉતરશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પોતાની જીતની લય જાળવી રાખવા પ્રયત્ન કરશે.
મેચ 2 : USA vs નામિબિયા (એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ)
ગ્રુપ A ની આ મેચ બંને ટીમો માટે પ્રતિષ્ઠાની લડાઈ છે. USA એ નેધરલેન્ડ્સ સામે શાનદાર જીત મેળવીને 2 પોઈન્ટ્સ સાથે ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે, જોકે ભારત અને પાકિસ્તાન સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. નામિબિયાની હાલત હાલમાં નબળી છે, તેઓ અત્યાર સુધી એક પણ મેચ જીતી શક્યા નથી અને પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. ચેન્નાઈની સ્પિન ફ્રેન્ડલી પિચ પર આ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
મેચ 3 : ભારત vs પાકિસ્તાન (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો)
આજના દિવસની અને આખા વર્લ્ડ કપની સૌથી મોટી હાઇ-વોલ્ટેજ મેચ એટલે ભારત vs પાકિસ્તાન. બંને ટીમો ગ્રુપ A માં અત્યાર સુધી અજેય રહી છે, જેમાં ભારત +3.050 ના શાનદાર નેટ રન રેટ સાથે ટોપ પર છે. પાકિસ્તાન પણ બે મેચ જીતીને બીજા ક્રમે છે. T20 વર્લ્ડ કપમાં ભારત 7-1 ની લીડ સાથે મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત છે. સૂર્યકુમાર યાદવ અને ટીમ ઈન્ડિયાની નજર આ લીડ વધારવા પર હશે, જ્યારે સલમાન અલી આગાની ટીમ ભારતને ટક્કર આપી ટેબલ ટોપર બનવાનો પ્રયાસ કરશે.
મેચ નંબર | મુકાબલો | સમય | સ્ટેડિયમ | કેપ્ટન (ટીમ 1/ટીમ 2) |
|---|---|---|---|---|
25 | વેસ્ટ ઇન્ડિઝ vs નેપાળ | 11:00 AM | Wankhede Stadium, મુંબઈ | Shai Hope/Rohit Paudel |
26 | USA vs નામિબિયા | 03:00 PM | MA Chidambaram Stadium, ચેન્નાઈ | Monank Patel/Gerhard Erasmus |
27 | ભારત vs પાકિસ્તાન | 07:00 PM | R. Premadasa Stadium, કોલંબો | Suryakumar Yadav/Salman Agha |




















