T20 World Cup : ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ મંચ પર પોતાનો દબદબો સાબિત કર્યો છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ કરેલી ભવિષ્યવાણી મુજબ, ટીમ ઈન્ડિયાએ ઇતિહાસનું પુનરાવર્તન પણ કર્યું છે અને જૂના રેકોર્ડ્સને હરાવીને નવો ઇતિહાસ પણ રચ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ પોતાના નામે કર્યો છે.
ઇતિહાસનું પુનરાવર્તન અને નવા રેકોર્ડ્સ
ટીમ ઈન્ડિયાએ 2024 માં બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાને હરાવીને જે પરાક્રમ કર્યું હતું, તે જ જાદુ 2026 માં પણ જોવા મળ્યો. આ જીત સાથે ભારતે ત્રણ મોટા ઇતિહાસ બદલી નાખ્યા છે:
યજમાન દેશની જીત : પહેલીવાર કોઈ યજમાન ટીમે પોતાના જ દેશમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે.
સતત બે ખિતાબ : ઇતિહાસમાં પહેલીવાર કોઈ ટીમે સતત બે વાર T20 વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવી છે.
ત્રણ વખત ચેમ્પિયન : ભારત હવે ત્રણ વાર T20 વર્લ્ડ કપ જીતનારી દુનિયાની એકમાત્ર ટીમ બની ગઈ છે.
દિગ્ગજોની હાજરીમાં ટ્રોફીનું આગમન
આ ઐતિહાસિક મેચની શરૂઆત ભાવુક અને ગૌરવશાળી ક્ષણો સાથે થઈ હતી. ભારતને અગાઉ વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા બે મહાન કેપ્ટનો, એમ.એસ. ધોની (2007) અને રોહિત શર્મા (2024), મેદાન પર વર્લ્ડ કપની ટ્રોફી લઈને આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું.
ઓપનર્સનો આક્રમક અંદાજ
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું, જે તેમના માટે ઘાતક સાબિત થયું. સંજુ સેમસન અને અભિષેક શર્માની જોડીએ પાવરપ્લેમાં જ ન્યૂઝીલેન્ડના બોલરોને બરાબરના ફટકાર્યા હતા. પ્રથમ 6 ઓવરમાં ભારતે વિના વિકેટે 92 રન બનાવી દીધા હતા, જે વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસમાં એક રેકોર્ડ સમાન સ્કોર છે. અભિષેક શર્માએ માત્ર 21 બોલમાં 52 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
સેમસન અને ઈશાનની સેન્ચુરીની પાર્ટનરશીપ
અભિષેક આઉટ થયા બાદ ઈશાન કિશન મેદાનમાં આવ્યો હતો. તેને સંજુ સેમસન સાથે મળીને બીજી વિકેટ માટે માત્ર 48 બોલમાં 105 રનની વિસ્ફોટક પાર્ટનરશીપ કરી હતી. સેમસને 89 રન અને ઈશાને 54 રન બનાવીને ભારતનો સ્કોર 15 ઓવરમાં જ 200 રનને પાર પહોંચાડી દીધો હતો.
દુબેની ફિનિશિંગ ટચ અને ઐતિહાસિક સ્કોર
એક તબક્કે જિમી નીશમે એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપીને ભારતની રન ગતિ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શિવમ દુબેએ છેલ્લી ઓવરમાં 24 રન ફટકારીને ભારતનો સ્કોર 255 રન સુધી પહોંચાડ્યો હતો. આ T20I ફાઇનલના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે.
બુમરાહનો જાદુ અને ન્યૂઝીલેન્ડનો પરાજય
256 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. જસપ્રીત બુમરાહે માત્ર 15 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી. ટિમ સેફર્ટ (52 રન) અને મિચેલ સેન્ટનર (43 રન) સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યો નહીં અને આખી ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઈનામો અને એવોર્ડ્સનો વરસાદ
જીત બાદ ટીમ ઈન્ડિયા પર કરોડોની ધનવર્ષા થઈ છે. ICC દ્વારા ભારતને 27.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. વ્યક્તિગત પ્રદર્શનમાં જસપ્રીત બુમરાહને 'પ્લેયર ઓફ ધ મેચ' અને સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરનાર સંજુ સેમસનને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.

















