T20 World Cup : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ-D ની મહત્વપૂર્ણ મેચમાં અફઘાનિસ્તાને શાનદાર પ્રદર્શન કરતા UAE ને 5 વિકેટથી પરાજય આપ્યો છે. આ જીત સાથે અફઘાનિસ્તાને ટુર્નામેન્ટના આગામી રાઉન્ડ એટલે કે, સુપર-8 માં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખી છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે અંતમાં તેમના માટે સાચો સાબિત થયો.
UAE ની બેટિંગ અને સંઘર્ષ
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી UAE ની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જોકે, સોહેબ ખાન (68 રન) અને અલીશાન શરાફુ (40 રન) વચ્ચે થયેલી 84 રનની મહત્વપૂર્ણ ભાગીદારીએ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. આ બંનેની બેટિંગના કારણે UAE એક સમયે મજબૂત સ્થિતિમાં જણાતું હતું, પરંતુ અંતિમ ઓવરોમાં અફઘાન બોલરોએ કમબેક કર્યું હતું. UAE એ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા.
અઝમતુલ્લાહ ઓમરઝાઈની ઘાતક બોલિંગ
અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લાહ ઓમરઝાઈએ અત્યંત ઘાતક બોલિંગ કરી હતી. તેને પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 15 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી લીધી હતી. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે UAE નો મિડલ-ઓર્ડરને મુશ્કેલી મૂકી દીધો. તેને મુજીબ ઉર રહેમાનનો પણ સારો સાથ મળ્યો, જેને 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ બોલિંગના કારણે જ UAE 175+ રન સુધી પહોંચી શક્યું નહીં.
અફઘાનિસ્તાનનો વળતો પ્રહાર અને ઈબ્રાહિમની હાફ-સેન્ચુરી
161 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત આંચકાજનક રહી હતી, કારણ કે સ્ટાર ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ઈબ્રાહિમ ઝદરાને સારી બેટિંગ કરી હતી. ઝદરાને 41 બોલમાં 53 રનની શાનદાર હાફ-સેન્ચુરી રમીને ટીમને સ્થિરતા આપી હતી. જોકે, વચ્ચેના ગાળામાં UAE ના બોલરો મોહમ્મદ ઈરફાન અને જુનૈદ સિદ્દીકીએ 2-2 વિકેટ લઈને મેચને રોમાંચક બનાવી દીધો હતો.
ઓમરઝાઈનું શાનદાર ફિનિશિંગ
મેચ જ્યારે ફસાયેલી જણાતી હતી, ત્યારે ફરી એકવાર અઝમતુલ્લાહ ઓમરઝાઈએ મેદાનમાં જાદુ ચલાવ્યો. આ વખતે તેને બેટથી કમાલ કરતા માત્ર 21 બોલમાં નોટઆઉટ 40 રન ફટકાર્યા, જેમાં 3 સિક્સર અને 2 ચોગ્ગા સામેલ હતા. તેને 19 મી ઓવરમાં આક્રમક બેટિંગ કરી અને છેલ્લી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને 4 બોલ બાકી રહેતા જીત અપાવી દીધી.
મેચનું પરિણામ અને સુપર-8 ના સમીકરણ
બોલિંગમાં 4 વિકેટ અને બેટિંગમાં મહત્વના 40 રન બનાવવા બદલ ઓમરઝાઈને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત માત્ર અફઘાનિસ્તાન માટે જ નહીં, પણ સાઉથ આફ્રિકા માટે પણ ખુશીના સમાચાર લાવી છે, કારણ કે, આ પરિણામ સાથે સાઉથ આફ્રિકાની ટીમ સુપર-8 માં પહોંચી ગઈ છે.




















