T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. સુપર-8 રાઉન્ડની મહત્વની મેચમાં ભારતનો સામનો સાઉથ આફ્રિકા સામે થવાનો છે. આ હાઇ-વોલ્ટેજ મેચ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સૂર્યાએ ટીમની રણનીતિ, ખેલાડીઓનું ફોર્મ અને સંભવિત ફેરફારો અંગે ખુલ્લેઆમ વાત કરીને ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા છે.
અભિષેક શર્માના ફોર્મ પર કેપ્ટનનો ભરોસો
યુવા બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને છેલ્લી ત્રણ મેચમાં તે શૂન્ય રને આઉટ થયો છે. આ બાબતે સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે, ટીમ મેનેજમેન્ટ જરાય ચિંતિત નથી. તેમણે કહ્યું કે, "દરેક ખેલાડીની કારકિર્દીમાં આવો સમય આવે છે. ગયા વર્ષે અભિષેકે શાનદાર પ્રદર્શન કર્યું હતું, હવે જો તે રન નથી બનાવી રહ્યો તો બાકીના ખેલાડીઓ તેની જવાબદારી લેશે." આ નિવેદનથી સ્પષ્ટ છે કે, અભિષેકને સુપર-8 માં પણ તક મળી શકે છે.
પિચ અને પરિસ્થિતિઓનો પડકાર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અંગે વાત કરતા કેપ્ટને જણાવ્યું કે, ટીમ દરેક પ્રકારની સ્થિતિ માટે તૈયાર છે. સૂર્યાના મતે, પિચ ભલે પડકારજનક હોય, પણ ભારતીય ખેલાડીઓ પાસે કોઈપણ પરિસ્થિતિમાં રમતને બદલવાની ક્ષમતા છે. તેમણે ભાર મૂક્યો કે, બેટિંગ કરતી વખતે સંજોગોનું સન્માન કરવું જરૂરી છે અને પરિસ્થિતિ મુજબ રમત રમીને મોટો સ્કોર બનાવવો એ અમારું લક્ષ્ય છે.
ઓફ-સ્પિન સામે લડવાની તૈયારી
ભારતીય બેટ્સમેનો આ વર્લ્ડ કપમાં ઘણીવાર ઓફ-સ્પિન બોલિંગ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. આ અંગે સૂર્યાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, "અમે ઘણું ક્રિકેટ રમ્યા છીએ અને અમને ખબર છે કે, આવી બોલિંગનો સામનો કેવી રીતે કરવો. અમે અમારી રણનીતિમાં જરૂરી ફેરફારો કર્યા છે અને આગામી મેચમાં સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું."
સંજુ સેમસનને તક મળશે કે નહીં?
જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે સૂર્યાએ રમૂજી અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે હસતા હસતા પૂછ્યું, "શું મારે અત્યારે અભિષેક કે તિલકને ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ?" તેમણે સ્પષ્ટ કર્યું કે, હાલમાં ટીમનું કોમ્બિનેશન પરફેક્ટ છે અને કોઈ મોટું કારણ ન હોય ત્યાં સુધી પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાની કોઈ શક્યતા નથી.
બેટિંગ ક્રમ અને તિલક વર્માની ભૂમિકા
તિલક વર્માને ઓપનિંગમાં મોકલવાની ચર્ચા પર કેપ્ટને કહ્યું કે, આ બધું મેચની સ્થિતિ પર નિર્ભર રહેશે. જો ઓપનિંગ જોડી સારી શરૂઆત નહીં અપાવે, તો મિડલ ઓર્ડર પર દબાણ ન આવે તે માટે રણનીતિ બદલવામાં આવશે. સૂર્યાએ પોતાના બોલરો પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે જો ટીમ 180-190 રન બનાવશે, તો અમારા બોલરો તે સ્કોરને ડિફેન્ડ કરવા માટે સક્ષમ છે.




















