Home Sports T20 World Cup 2026 Final Narendra Modi Stadium Pitch Navsari Red Soil

આ ગામની માટી નક્કી કરતા ભારતની હાર-જીતનું ભાવિ : ગુજરાતના આ ગામમાંથી લવાય છે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડની પીચની માટી

આ ગામની માટી નક્કી કરતા ભારતની હાર-જીતનું ભાવિ
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 10:15 AM IST

Narendra Modi Stadium Pitch Red Soil: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચના રહસ્ય પાછળ છુપાયેલો છે ગુજરાતના આ ગામનો ‘લાલ’ જાદુ. શું તમે જાણો છો ક્યાંથી આવે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલી ક્રિકેટ પીચ પરની માટી? આ કોઈ સામાન્ય માટી નથી. આ લાલ રંગની આ માટી ખુબ સ્પેશિયલ હોય છે. તેની ખાસિયતો જાણીને તમે પણ ચોંકી જશો.

આજે આખું વિશ્વ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ મીટ માંડીને બેઠું છે, જ્યાં T20 વર્લ્ડ કપ 2026ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ આમને-સામને છે. આ ઐતિહાસિક મેચ જે પીચ પર રમાઈ રહી છે, તેના નિર્માણમાં દક્ષિણ ગુજરાતના એક નાના ગામનો મોટો ફાળો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પાથરી ગામની લાલ માટીએ આ પીચને વિશ્વસ્તરીય બનાવી છે.

શા માટે પાથરીની માટી છે BCCIની પ્રથમ પસંદ?

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા દેશના શ્રેષ્ઠ સ્ટેડિયમોમાં પીચ તૈયાર કરવા માટે પાથરી ગામની માટીનો આગ્રહ રાખવામાં આવે છે. આ માટી માત્ર ભારતમાં જ નહીં, પણ વિદેશી સ્ટેડિયમોમાં પણ મોકલવામાં આવે છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

ફાસ્ટ અને બાઉન્સી પીચ: આ માટી ફાસ્ટ બોલરોને મદદરૂપ થાય તેવી ઉછાળવાળી પીચ બનાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ભેજ જાળવી રાખવાની ક્ષમતા: નિષ્ણાતોના મતે, આ લાલ માટી 8 થી 10 કલાક સુધી ભેજ પકડી રાખવાની અનોખી ક્ષમતા ધરાવે છે, જે લાંબી રમત માટે અનુકૂળ છે.

મજબૂત પકડ: આ માટીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું ઉચ્ચ પ્રમાણ હોય છે, જે તેને અત્યંત મજબૂત બનાવે છે.

150 કિમીની ઝડપ છતાં નથી પડતી તિરાડ!

ક્રિકેટમાં ઘણીવાર પીચ પર તિરાડો (cracks) પડવાને કારણે બેટ્સમેનોને તકલીફ પડતી હોય છે, પરંતુ પાથરીની માટીની ખાસિયત એ છે કે તે જલ્દી તૂટતી નથી. જ્યારે બોલ 135 થી 150 કિમીની પ્રચંડ ઝડપે પીચ પર અથડાય છે, ત્યારે પણ આ પીચ અડીખમ રહે છે. "એક દિવસમાં 90 ઓવર સુધી રમત ચલાવી શકે તેવી ક્ષમતા ધરાવતી આ પીચ ખેલાડીઓને લાંબી ઇનિંગ્સ રમવા અને ચોકસાઈપૂર્વક બોલિંગ કરવા માટે મજબૂત આધાર પૂરો પાડે છે."

મેચ પર તેની અસરઃ

આજની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ માટે આ પીચ નિર્ણાયક સાબિત થશે. જ્યાં બેટ્સમેનોને સારો બાઉન્સ મળશે, ત્યાં ફાસ્ટ બોલરોને પણ શરૂઆતની ઓવરોમાં ગતિ અને સ્વિંગનો ફાયદો મળી શકે છે. આમ, ગણદેવીના એક નાના ગામની માટી આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાતી રમતનું ભાવિ નક્કી કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now