logo-img
T20 World Cup 19 Year Old Yuvraj Samra Creates History By Scoring A Century

T20 World Cup; 19 વર્ષના યુવરાજ સામરાએ સેન્ચુરી ફટકારી રચ્યો ઇતિહાસ! : માત્ર 19 વર્ષની ઉંમર અને મેદાનમાં રનનો વરસાદ, જાણો કોણ છે આ નવો 'યુવરાજ'

T20 World Cup; 19 વર્ષના યુવરાજ સામરાએ સેન્ચુરી ફટકારી રચ્યો ઇતિહાસ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 17, 2026, 12:40 PM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં એક એવો રેકોર્ડ બન્યા છે, જેને આખા ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. કેનેડાના માત્ર 19 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન યુવરાજ સામરાએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં શાનદાર સેન્ચુરી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. આ યુવા ખેલાડીએ કીવી ટીમના અનુભવી બોલરોની સામે મેદાનની ચારેબાજુ રન ફટકાર્યા હતા.

ઐતિહાસિક સેન્ચુરી અને રેકોર્ડ્સ

યુવરાજ સામરાએ માત્ર 65 બોલમાં 110 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેમાં 6 છગ્ગા અને 11 ચોગ્ગા સામેલ હતા. આ સાથે જ તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સેન્ચુરી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેને 19 વર્ષ અને 141 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે. આ ઉપરાંત, તે કોઈપણ 'એસોસિયેટ નેશન' તરફથી વર્લ્ડ કપમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. રસપ્રદ વાત એ છે કે, આ મેચ પહેલા યુવરાજે ક્યારેય હાફ-સેન્ચુરી પણ ન હતી ફટકારી!

ભારતના 'સિક્સર કિંગ' સાથે ખાસ કનેક્શન

યુવરાજ સામરાનું નામ અને તેની બેટિંગ સ્ટાઇલ ભારતના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહની યાદ અપાવે છે. તેના પિતા બલજીત સિંહ સામરા યુવરાજ સિંહના એટલા મોટા ચાહક હતા કે, તેમણે પોતાના પુત્રનું નામ જ 'યુવરાજ' રાખી દીધું. યુવરાજ સામરા પોતે પણ 2 વાર યુવરાજ સિંહને મળી ચૂક્યો છે, પહેલીવાર 2019 માં ટોરોન્ટોમાં અને બીજી વાર 2025 માં એક ટુર્નામેન્ટ દરમિયાન.

કેનેડાના બ્રેમ્પટનથી વર્લ્ડ કપ સુધીની સફર

યુવરાજનો જન્મ 29 સપ્ટેમ્બર, 2006 ના રોજ કેનેડાના ઓન્ટારિયોના બ્રેમ્પટન શહેરમાં થયો હતો. તેના પિતા પંજાબથી કેનેડા સ્થાયી થયા હતા અને તેમણે નાનપણથી જ યુવરાજને ક્રિકેટની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. કેનેડાની ડોમેસ્ટિક લીગમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ, તેણે ફેબ્રુઆરી 2025 માં આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે સતત રન બનાવી રહ્યો છે.

રન બનાવવાની અનોખી ભૂખ

યુવરાજ સામરા પોતાની બેટિંગ વિશે કહે છે કે, જ્યારે બોલ બેટની બરાબર વચ્ચે (મિડલ) અથડાય છે, ત્યારે જે અવાજ આવે છે તે તેને દુનિયામાં સૌથી વધુ સંતોષ આપે છે. આ લેફટી બેટ્સમેનની રન બનાવવાની ભૂખ જ તેને મેદાન પર 'યુવરાજ સિંહ' જેવો આક્રમક બનાવે છે.

મેચનો અહેવાલ : કેનેડાનું દમદાર પ્રદર્શન

ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કેનેડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. યુવરાજ સામરા અને કેપ્ટન દિલપ્રીત બાજવા વચ્ચે પ્રથમ વિકેટ માટે 116 રનની મજબૂત ભાગીદારી થઈ હતી. યુવરાજની સેન્ચુરીની મદદથી કેનેડાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. પણ ન્યુઝીલેન્ડની ટીમે 15.1 ઓવરમાં આ ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now