Home Entertainment Susp Icious De A Th Of Indian Origin Youtuber Nancy Grewal In Canada

કેનેડામાં ભારતીય મૂળની યુટ્યુબરનું શંકાસ્પદ મોત : સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન વિરોધી અવાજ ઉઠાવનાર Nancy ની છરીના ઘા મારી કરી હત્યા!

કેનેડામાં ભારતીય મૂળની યુટ્યુબરનું શંકાસ્પદ મોત
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 09:05 AM IST

Nancy Grewal : કેનેડામાં ભારતીય મૂળના લોકો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હાલમાં ઓન્ટારિયોના લાસેલ વિસ્તારમાં પંજાબી મૂળની જાણીતી યુટ્યુબર નેન્સી ગ્રેવાલની ક્રૂર હત્યા કરવામાં આવી છે. મંગળવાર રાત્રે બનેલી આ ઘટનાએ સમગ્ર ભારતીય સમુદાયમાં શોકની લાગણી જન્માવી છે. નેન્સી ગ્રેવાલ સોશિયલ મીડિયા પર પોતાના બેબાક વિચારો માટે જાણીતી હતી.

ઘટનાની વિગત

આ કરૂણ ઘટના 3 માર્ચ, 2026 ના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે બની હતી. લાસેલ પોલીસ સર્વિસને ટોડ લેનના 2400 બ્લોક પર છરાબાજી થઈ હોવાની માહિતી મળી હતી. પોલીસ અને પેરામેડિક્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં નેન્સી ગ્રેવાલ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

સારવાર દરમિયાન નિધન

ગંભીર રીતે ઘવાયેલી નેન્સીને તાત્કાલિક એસેક્સ-વિન્ડસર ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે, ડૉક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેને બચાવી શકાઈ ન હતી અને સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

વિવાદિત મુદ્દાઓ પર અવાજ

નેન્સી ગ્રેવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને તે ખાસ કરીને ખાલિસ્તાન સમર્થક તત્વો વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે જાણીતી હતી. તેને જેલમાં બંધ સાંસદ અમૃતપાલ સિંહ, બિક્રમ સિંહ મજીઠિયા અને ગુરિન્દર સિંહ ધિલ્લોન જેવા નેતાઓ વિરુદ્ધ પણ અનેક વીડિયો પોસ્ટ કર્યા હતા. ભારત અને કેનેડા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને ઉગ્રવાદીઓની પ્રવૃત્તિઓ પર પણ તે નિડરતાથી બોલતી હતી.

પોલીસ તપાસ અને પુરાવા

બુધવારે સવારે પોલીસે ટોડ લેન વિસ્તારમાં બે ઘરોને ઘેરી લઈને તપાસ હાથ ધરી હતી. તપાસકર્તાઓએ ઘરની સીડીઓ અને કોંક્રિટના માર્ગ પરથી મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે. લાસેલ પોલીસે ફેસબુક પોસ્ટ દ્વારા નેન્સીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પોલીસે હાલમાં આને એક 'અલગ ઘટના' (Isolated Incident) ગણાવી છે જેથી લોકોમાં ડર ન ફેલાય.

લોકોને સહકારની અપીલ

પોલીસ આ કેસની ઊંડી તપાસ કરી રહી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે સામાન્ય જનતાની મદદ માંગી રહી છે. જે કોઈ પાસે આ ઘટના અંગે માહિતી હોય અથવા જેમના ઘરના સર્વેલન્સ ફૂટેજમાં કંઈ શંકાસ્પદ દેખાયું હોય, તેમને ડિટેક્ટીવ સાર્જન્ટ જેમી નેસ્ટરનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now